સુરતઃ શહેરમાં રખડતા કૂતરાનો ત્રાસ વધી રહ્યો છે. કૂતરા કરડવાના બનાવોમાં વધારો થયો હોવા છતાંયે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કોઈ જ પગલાં ભરવામાં આવતા નથી. મ્યુનિ.ના સત્તાધિશો દ્વારા સબ સલામતના દાવા કરવામાં આવી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં 19 ,898 કૂતરા કરડવાના કેસ નોંધાયા હતા. જ્યારે છેલ્લા એક વર્ષમાં ત્રણ બાળકો સહિત ચારનાં કૂતરા કરડવાથી મોત થયાં છે.
સુરત શહેરમાં રખડતા કૂતરાનો આતંક વધ્યો છે, અને કૂતરા કરડવાનો ભોગ બનેલા લોકોને સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં એન્ટિ રેબીઝ રસી મૂકવામાં આવે છે. સ્મીમેર અને સિવિલ હોસ્પિટલમાં ડોગ બાઈટનો ભોગ બનેલા દરરોજ 100થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. સુરત સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2023-24માં 12 હજાર 251 લોકોને અને સ્મીમેર હોસ્પિટલમાં વર્ષ 2023-24માં 7 હજાર 647 લોકોને કૂતરા કરડ્યાં હોવાના કેસો નોંધાયા હતા. આમ એક વર્ષમાં કુલ 19 હજાર 898 લોકોને કૂતરા કરડ્યાં હતા. જ્યારે ગત વર્ષ એપ્રિલથી ફેબ્રુઆરી 2024 સુધીમાં ડોગ બાઈટને લીધે ત્રણ બાળકો સહિત ચારનાં મોત થયાં હતા.
સુરત મ્યુનિય કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ વર્ષ 2023-2024માં એપ્રિલથી ફેબ્રુઆરીમાં કુલ 15 હજાર 135 શ્વાન પકડવામાં આવ્યાં હતાં. જેમાં 13 હજાર 643 શ્વાનનું ખસીકરણ કરવામાં આવ્યું હતું. રોજના 60થી 70 રસીકરણના ઓપરેશન કરવામાં આવ્યાં હતાં. રોજની પાંચ જેટલી પાર્ટી શ્વાન પકડવાની કામગીરી કરે છે. ભેસ્તાન ઢોર પાર્ટી ખાતે 630 શ્વાન રાખવાની કેપિસિટીવાળા ડબ્બા રાખવામાં આવે છે. પકડેલા શ્વાનને એનિમલ વેલ્ફેર ગાઇડલાઇન્સના નિયમ મુજબ 5 દિવસની અંદર જે તે સ્થળે છોડી મૂકવામાં આવે છે.
સુરત શહેરમાં એક બાજુ રખડતાં શ્વાનના આતંક વચ્ચે તાજેતરમાં ભેસ્તાનમાં રખડતાં શ્વાન પકડવા ગયેલા કર્મચારીને બચકું ભરી લેતા નવી સિવિલમાં હડકવા વિરોધી રસી લેવી પડી હતી. ભેસ્તાન ખાતે મ્યુનિ.ના એબીસી સેન્ટરમાં રહેતો અને શ્વાન પકડવા સહિતનું કામ કરતો 18 વર્ષીય અનિલ પરિયાને શુક્રવારે સવારે સેન્ટર ખાતે રખડતા શ્વાને બચકું ભર્યું હતું.
સુરતના મેયરે તાજેતરમાં નિવેદન આપ્યું હતું. કે, શહેરમાં રખડતા કૂતરા સામે નક્કર કાર્યવાહી કરીશું, પરંતુ નોનવેજ ખાનારા લોકોને સૂચન કર્યું કે નોનવેજ વેચતા લોકો અને ખાનારા લોકો કચરો ગમે ત્યાં ફેંકે છે અને એ ખાવા માટે શ્વાનો પ્રેરાય છે. તે સમયે નજીકમાંથી નીકળતા લોકો પર શ્વાનો હિંસક બની જતા હોય છે. જેથી કરી આ લોકોએ સાવચેતી રાખવી જોઈએ. મેયરે પોતાના નિવેદનમાં દોષનો ટોપલો નોનવેજ ખાતા લોકો અને વેચતા લોકો પર ઢોળી દીધો હોવાની ચર્ચા હાલ શહેરભરમાં ચાલી રહી છે.