અમદાવાદઃ શહેરમાં રખડતા કૂતરાંનો ત્રાસ વધતો જાય છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કૂતરાના ખસીકરણ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરાતા હોવા છતાં રખડતા કૂતરાની સંખ્યામાં કોઈ ઘટાડો થયો હોય એવું લાગતું નથી. શહેરમાં રખડતા કૂતરા કરડવાના દર મહિનો સરેરાશ 1500 બનાવો બને છે. સોલા સિવિલ હોસ્પિટલમાં દર મહિનો કૂતરા કરડવાથી સારવાર માટે 600 દર્દીઓ આવે છે. એએમસી દ્વારા આ સમસ્યાના નિવારણ માટે ખાસ કોઈ કામગીરી કરાતી નથી.
અમદાવાદ શહેરમાં કૂતરા કરડવાનો ભોગ બાળકો પણ બની રહ્યા છે. કૂતરા કરડવાના સૌથી વધુ બનાવો નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન બનતા હોય છે. કારણ કે, આ સમયગાળામાં ગલુડિયાના જન્મની સિઝન હોવાથી માદા શ્વાન તેનાં ગલુડિયા માટે સજાગ હોવાના લીધે આ અરસામાં કૂતરા કરડવાના કેસમાં નોંધપાત્ર વધારો થાય છે. શહેરના સોલા સિવિલ હોસ્પિટલમાં સામાન્ય દિવસોમાં કૂતરાં કરડવાના 20થી 25 કેસ નોંધાય છે, જ્યારે ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન આ આંકડો ડબલ થઈને 40થી 45 સુધી પહોંચી જાય છે. આ ઉપરાંત પૂર્વ વિસ્તારમાં પણ કૂતરા કરડવાના બનાવો વધી રહ્યા છે. શહેરની મ્યુનિ, સંચાલિત હોસ્પિટલોમાં પણ કૂતરા કરડવાના દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. જ્યારે ઘણા લોકો ખાનગી દવાખાનાંમાં સારવાર લેતા હોય છે. એટલે શહેરમાં કૂતરા કરડવાના 1500થી વધુ બનાવો નોંધાઈ રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે શહેરના મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કૂતરાંનું ખસીકરણ કર્યાનો દાવો કરવામાં આવે છે. ત્યારે કૂતરાંની વધતી જતી સંખ્યાને જોતાં મ્યુનિ. હકીકતમાં ખસીકરણની કામગીરી કરતું ન હોય તેમ લાગી રહ્યુ છે. એટલે એએમસી દ્વારા કૂતરાંના ખસીકરણની કામગીરી ખરેખરમાં થાય છે કે કેમ? તે તપાસનો વિષય છે. મ્યુનિ,ના ફરિયાદ સેલને પણ રોજબરોજ રખડતા કૂતરાના ત્રાસ અંગેની ફરિયાદો મળતા હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી.