Site icon Revoi.in

રાજકોટમાં શનિવારથી 45 વિસ્તારોમાં શેરી ક્લિનિકનો પ્રારંભ, સારવાર-દવા ફ્રીમાં કરાશે

Social Share

રાજકોટ:  દિલ્હીના શેરી ક્લિનિક શરૂ કરીને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સફળતા મેળવી હતી. તેવી જ રીતે હવે ભાજપ સરકાર રાજકોટમાં પ્રયોગાત્મક ધોરણે શેરી ક્લિનિક શરૂ કરી રહી છે. રાજકોટના 45 સ્લમ વિસ્તારમાં શહેરી ક્લિનિક યોજના શરૂ કરવાનો નિર્ણય લીધો છે. શહેરી ક્લિનિક યોજના શનિવારથી શરૂ થશે. રાજકોટમાં હવે શેરી ગલીએ ફ્રીમાં લોકોને સારવાર મળશે.  શહેરના મેયર પ્રદીપ ડવ દ્વારા શહેરી – માહોલ્લા ક્લિનિક યોજના શરૂ કરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી, જેના ભાગરૂપે શનિવારથી લોકોને દવાખાનાથી લઈને સારવાર સુધીની સગવડ ફ્રીમાં મળશે.

સૂત્રોના જણાવ્યા મુજબ  રાજકોટમાં આવતીકાલે તા.30મીને શનિવારના રોજ વોર્ડ નં. 4, 5, 6, 15 અને 16માં સાતમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાશે. ત્યારે શહેરના વિવિધ સ્લમ વિસ્તાર સહિતના 45 સ્થળોએ ‘દીનદયાલ ઔષધાલય‘ (શેરી ક્લિનિક)નો પ્રારંભ કરવામાં આવશે. રાજકોટના 45 સ્લમ વિસ્તારમાં શરૂ થઇ રહેલી દીનદયાલ ઔષધાલયની તબીબી સેવાઓનો લાભ લે તેવી સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન પુષ્કર પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને આરોગ્ય કમિટીનાં ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડિયાએ અનુરોધ કર્યો છે.

શહેરના મેયર પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, રાજકોટમાં છેવાડાના અને ઝુપડપટ્ટીમાં રહેતા લોકોને ઘર આંગણે જ શ્રેષ્ઠ સુવિધા અને સારવાર મળી રહે તે માટે દીનદયાલ ઔષધાલયનો શનિવારથી પ્રારંભ કરવામાં આવશે. રાજકોટમાં કુલ 45 સ્લમ વિસ્તારો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં શહેરી ક્લિનિક યોજનાનો સમય સાંજના 5થી રાતના 9 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. કારણ કે, નાનો માણસ દિવસે પોતાની રોજીરોટી માટે બહાર જતો હોય છે, અને સાંજના સમયે પોતાના ઘર પાસે જ ફ્રીમાં સારવાર મેળવી શકે, તે હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે. 45 સ્લમ વિસ્તારોમાં શરૂ કરવામાં આવેલા શહેરી ક્લિનિક  યોજનામાં સારવાર, દવા અને જે કંઇ પણ ટેસ્ટ કરવાના હોય તે તમામ ફ્રીમાં કરી આપવામાં આવશે.