Site icon Revoi.in

ગાંધીનગરમાં સ્ટ્રીટ વેન્ડર અને નવી પાર્કિંગ પોલીસીનો સરકારની મંજુરી બાદ અમલ કરાશે

Social Share

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં વસતી સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. તેના લીધે પાર્કિંગની સમસ્યા વકરી રહી છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નવી પાર્કિંગ પોલીસી બનાવવામાં આવી છે, તેમજ ફેરિયાઓ માટેની સ્ટ્રીટ વેન્ડર પોલીસી બનાવવામાં આવી છે. જેથી નિયત કરેલા સ્થળો પર જ સુવિધા આપી શકાય અને રોડ-રસ્તાઓ પર દબાણો ન થાય, મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બન્ને પોલીસી રાજ્ય સરકારને મંજુરી માટે મોકલી આપવામાં આવી છે. સરકાર તરફથી ગ્રીન સિગ્નલ મળ્યા બાદ બન્ને પોલીસીનો અમલ કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરમાં આડેધડ પાર્કિંગની સમસ્યા નિવારવા માટે જીએમસી દ્વારા તૈયાર કરવામાં આવેલી નવી પાર્કિંગ પોલીસી અને સ્ટ્રીટ વેન્ડર પોલીસી મંજૂરી માટે રાજ્ય સરકારને મોકલી આપવામાં આવી છે. અને સરકારની મંજૂરી મળ્યા બાદ તેનો અમલ શરૂ કરવામાં આવશે. સ્ટ્રીટ વેન્ડર પોલિસીમાં સરકારની મંજૂરી મળ્યા બાદ જરૂરી સુવિધા ઉભી કરવા માટે કેન્દ્ર- રાજ્યની યોજના હેઠળ ગ્રાન્ટ મેળવીને કામો કરાશે. વાહનોના પાર્કિંગ પોલિસીના ડ્રાફ્ટ મુજબ અનેક જગ્યાએ નવા પાર્કિંગ બનાવવાના થાય છે. તેમજ તેનું સંચાલન પેઇડ પાર્કિંગના ધોરણે કરવાનું થાય છે. પરંતુ ગાંધીનગરમાં જમીન પાટનગર યોજના વિભાગની માલિકીની હોવાથી પાર્કિંગ બનાવવા અને સંચાલન કરવા બાબતે કોઇ વિવાદ ન થાય તે માટે રાજ્ય સરકારને પોલીસીનો ડ્રાફ્ટ મોકલવામાં આવી છે. અને મંજૂરી લેવામાં આવશે. ત્યારબાદ પાર્કિંગ બનાવવાની કામગીરી હાથ ધરાશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગાંધીનગરમાં નિયત પાર્કિંગ સિવાય આડેધડ પાર્ક થતા વાહનો પાસે દંડ વસૂલવાની જોગવાઇ નવી પોલીસીમાં કરવામાં આવી છે. આ માટે ટ્રાફિક ગાર્ડ પણ રોકવાના થાય છે. પરંતુ સુરત અને અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની જેમ ટ્રાફિક અને પાર્કિંગના નિયમોના ભંગ બદલ દંડ વસૂલવાની સત્તા ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન પાસે નથી. આથી સુરત અને અમદાવાદની જેમ દંડ વસૂલવાની સત્તા મેળવવા પણ રાજ્ય સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે.