Site icon Revoi.in

અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સના બાકીદારો સામે કડક કાર્યવાહી, એક જ દિવસમાં 2562 મિલક્તો સીલ

Social Share

અમદાવાદઃ શહેરમાં ઘણાબધા પ્રોપર્ટીધારકોનો AMCનો ટેક્સ વર્ષોથી બાકી છે. અગાઉ નોટિસ આપવા છતાંયે પ્રોપર્ટી ટેક્સના બાકીદારો ટેક્સ ભરતા નથી. તેથી આવા બાકીદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પ્રોપર્ટી ટેક્સ ભરવાની નોટિસ બાદ સીલીંગ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. મિલકત સિલિંગ ઝુંબેશમાં 2500 જેટલી મિલકતોને સીલ કરવામાં આવી છે. મિલકત સિલિંગની પ્રક્રિયા બાદ પણ જે લોકો ટેક્સ નથી ભરતા તેમના મિલકતને કલેક્ટર કચેરીમાં રેવન્યુ વિભાગમાં બોજો નોંધાવવાની કાર્યવાહી કરવામાં પણ આવી રહી છે.

એએમસીના રેવન્યુ કમિટીના ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે બાકી ટેક્સ ધારકો સામે કડક કાર્યવાહીના ભાગરૂપે મિલકત સીલીંગ ઝુંબેશ ઉપરાંત રેવન્યુમાં બોજો નોંધાવવાની કાર્યવાહી કરવામાં આવે છે. શુક્રવારે મળેલી કમિટીમાં દરેક ઝોનમાં 200 જેટલી મિલકતોમાં બોજો નોંધાવવા માટેનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. મોટા ટેક્સ ડિફોલ્ટરોની યાદી બનાવી સીલીંગ કરવાની અને તેઓની સામે બોજો નોંધાવવાની કાર્યવાહી કરવામાં આવશે. રૂ. એક લાખથી લઈ એક કરોડ ઉપરની મિલકતો સામે સીલીંગ અને બોજો નોંધાવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં હાલમાં 221 જેટલી મિલકતો સામે બોજો નોંધાવી દેવામાં આવ્યો છે જ્યારે 216 જેટલી મિલકતોમાં બોજો નોંધાવવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે  શુક્રવારે મિલકત સીલીંગ ઝુંબેશ દરમિયાન 2562 જેટલી મિલકતોને સીલ કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ ઉત્તર પશ્ચિમ ઝોનમાં એસજી હાઇવે બોડકદેવ થલતેજ સહિતના વિસ્તારોના કોમ્પલેક્ષની દુકાનો અને ઓફિસોનો સમાવેશ થાય છે. એક જ દિવસમાં 7.14 કરોડની ટેક્સની આવક થઈ છે. રાજ્ય સરકારની મિલકતોના બાકી ટેક્સના લેણા પણ હવે AMCના ટેક્સ વિભાગમાં ભરવામાં આવી રહ્યા છે. જેમાં અસારવા સિવિલ હોસ્પિટલ દ્વારા રૂ. 2.12 કરોડ, જ્યારે સુભાષ બ્રિજ કલેકટર કચેરીનો રૂ. 4.82 લાખનો બાકી ટેક્સ ભરી દેવામાં આવ્યો છે. રાજ્ય સરકારની મિલકતમાં 20 ટકા અને કેન્દ્ર સરકારની મિલકતમાં 25 ટકા રાહત ટેક્સમાં આપવામાં આવે છે.