ગુજરાતમાં વ્યાજખોરો સામે આકરી કાર્યવાહીઃ કુલ 762 લોકો સામે ફરિયાદ નોંધાઈ
અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વ્યાજખોરોનો ઉપદ્રવ વધ્યો છે. બીજી તરફ સરકારે વ્યાજખોરો સામે કવાયત શરૂ કરી છે. દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં લોકદરબાર યોજીને વ્યાજખોરો સામે કાર્યવાહી શરૂ કરી છે. દરમિયાન સમગ્ર રાજ્યમાં વ્યાજખોરોની સામે 464 જેટલી ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે 762 આરોપીઓ સામે ગુનો નોંધીને અત્યાર સુધીમાં 316 વ્યાજખોરોને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સરકાર દ્વારા વ્યાજખોરો સામે લાલઆંખ કરીને વિશેષ મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. તમામ જિલ્લાઓમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા લોક દરબાર યોજી તલસ્પર્શી તપાસ સાથે કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. વ્યાજખોરો પર લગામ કસવા પોલીસે શરૂ કરેલી કડક કાર્યવાહીથી વ્યાજખોરોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.
લોકદરબારમાં મોટી સંખ્યામાં વ્યાજખોરોથી પીડિત લોકો મદદ માટે આવી રહ્યાં છે. પોલીસ દ્વારા 762 જેટલા વ્યાજખોરો સામે કુલ 464 ફરિયાદ નોંધીને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. તેમજ વ્યાજકોરોને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. પોલીસે અત્યાર સુધીમાં લગભગ 315 જેટલા વ્યાજખોરોને ઝડપી લીધા છે. પોલીસ અને સરકારની કાર્યવાહીને પગલે વ્યાજખોરોમાં ભય ફેલાયો છે જ્યારે કેટલાક વ્યાજખોરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ગુજરાતમાં વ્યાજખોરો અને તેના વિષચક્રમાં ફસાઈ ચૂકેલા સામાન્ય નાગરિકોને આ ચુંગાલમાંથી મુક્ત કરાવવા રાજ્ય સરકાર દ્વારા વિશેષ મેગા ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ અભિયાનને વધારે તેજ બનાવવામાં આવશે.