ચૂંટણીપંચની કાર્યવાહી: કર્ણાટકમાં રૂ. 102 કરોડની રોકડ સહિત 292 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો
બેંગ્લોરઃ કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી માટે તા. 10 મેના રોજ મતદાન યોજાવાનું છે. વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા હાલ જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યમાં આદર્શ આચાર સંહિતા (MCC) ના ઉલ્લંઘન સાથે સંકળાયેલા કેસોમાં 50 ટકાથી વધુ આરોપ સાબિત થયાં છે, તેવો એક અધિકારીએ ખુલાસો કર્યો છે.
કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારી મનોજ કુમાર મીણાએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચ આચારસંહિતા ભંગના મામલાઓ પર નજર રાખી રહ્યું છે. કર્ણાટક એવા રાજ્યોમાંનું એક છે જ્યાં કડકાઈનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગત વખતે 2,000થી વધુ કેસ નોંધાયા હતા. તે તમામ સામે ચાર્જશીટ કરવામાં આવી હતી. અધિકારીએ કહ્યું કે અમે માનીએ છીએ કે કર્ણાટકમાં 50 ટકાથી વધુ આરોપ સાબિત થયા છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, હું અન્ય રાજ્યો વિશે જાણતો નથી, પરંતુ ચૂંટણી સંબંધિત મામલામાં સજા થાય તે ખૂબ જ દુર્લભ છે. કર્ણાટકનું પ્રદર્શન અન્ય રાજ્યો કરતાં સારું રહ્યું છે. ચૂંટણી પંચ કેસોને કાળજીપૂર્વક રેકોર્ડ કરે છે અને લોકોને તેમના સંચાલન અંગે તાલીમ આપવામાં આવે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે,કે આગામી 14 દિવસ આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. અમે અમારી સરહદો પર કડક ચેકિંગ કરી રહ્યા છીએ. આ સાથે રાજ્યની અંદર ચાલી રહેલી હિલચાલ પર પણ નજર રાખવામાં આવી રહી છે. અમે સ્થાનિક સ્તરે પણ ગુપ્ત માહિતી એકત્ર કરી રહ્યા છીએ.
સુત્રોના જણાવ્યા અનુસાર, 29 માર્ચે આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ત્યારથી અત્યાર સુધી કુલ રૂ. 292.06 કરોડ જપ્ત કરવામાં આવ્યા છે, જેમાં રૂ. 102.9 કરોડની રોકડ, રૂપિયા 68.69 કરોડની કિંમતનો દારૂ અને રૂપિયા 76 કરોડની કિંમતનું 149.31 કિલો સોનું સામેલ છે. અયોગ્ય ભાષા મામલે અત્યાર સુધીમાં પાંચ કેસ નોંધવામાં આવ્યાં છે.