ચાઈનીઝ દોરી મામલે પોલીસની આકરી કાર્યવાહી, વિવિધ સ્થળો ઉપર દરોડા પાડીને ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો
અમદાવાદઃ ગુજરાતમાં ઉત્તરાયણને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, દરમિયાન કેટલાક વેપારીઓ કમાવી લેવાની લ્હાયમાં પ્રતિબંધિત ચાઈનીઝ ચોરીનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે. દરમિયાન તાજેતરમાં ચાઈનીઝ દોરી વાગવાથી સુરત અને વડોદરામાં બે યુવાનોના મોત થયાં હતા. આ ઘટના બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ વિવિધ સ્થળો ઉપર દરોડા પાડવામાં આવી રહ્યાં છે. દરમિયાન સુરત અને ખેડામાંથી ચાઈનીઝ દોરીનું વેચાણ કરનારો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ખેડા જિલ્લામાં પણ પતંગોની વિવિધ દુકાનોમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. જેમાં 7 જગ્યાએ ચાઇનીઝ દોરીનું વેચાણ થતુ હોવાનું સામે આવ્યુ છે. કંપડવંજ પોલીસે કઠલાલ બાયપાસ રોડ પર ચેકિંગ કરતા 2 લોકો ઝડપાયા છે. તેઓ કારમાં ચાઈનીઝ દોરીની હેરાફેરી કરતા હતા. પોલીસે તેમની પાસેથી 48 નંગ ચાઈનીઝ દોરીની ફિરકીઓ જપ્ત કરી હતી. આ ઉપરાંત કપડવંજના કાલીબસ્તી વિસ્તારમાંથી 87 હજારના ચાઈનીઝ દોરીના મુદ્દામાલ સાથે 2 લોકો સામે ગુનો દાખલ કર્યો હતો. મહેમદાવાદના કાચછાઈના સિમ વિસ્તારમાંથી ચાઈનીઝ દોરીની કુલ 23 ફીરકી જપ્ત કરીને એક વ્યક્તિ સામે કાર્યવાહી કરી હતી. મહેમદાબાદ શહેરમાં પણ એક દુકાનમાંથી ચાઈનીઝ દોરીના 60 રિલ સાથે બે લોકોની ધરપકડ કરી હતી.
દરમિયાન સુરતમાં ઉત્તરાયણ પૂર્વે ચાઈનીઝ દોરીના ઓનલાઇન વેચાણનો સૌથી મોટો પર્દાફાશ થયો છે. અલગ અલગ ચાર ગુનામાં પોલીસે ઓનલાઇન ચાઈનીઝ દોરીનું વેચાણ કરનાર 6 લોકોને ઝડપી પાડયા છે. ઉધનામાંથી 20, સાલબત પૂરામાંથી 22, મહિધરપુરામાં 120 અને સરથાણામાંથી 10 ચાઈનીઝ દોરીની ફીરકી ઝડપાઇ હતી. વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કન્ટ્રોલ બ્યુરો અને પ્રયાસ જીવદયાની મદદ લેવાઈ હતી. હાલ પોલીસે અલગ અલગ ત્રણ ગુના નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મહિધરપુરા પોલીસ દ્વારા 120 ચાઈનીઝ દોરી સાથે ચાર યુવકોની ધરપકડ કરી છે. તો સાથે સુરતમાં ઓનલાઇન ચાઈનીઝ દોરી વેંચતા ઈસમો સામે એક સાથે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સુરતમાં અત્યાર સુધીમાં મહિધરપુરા પોલીસે 120, ઉધના પોલીસ સ્ટેશન 20, સાલબત પૂરા 22, સરથાણા 10 ચાઈનીઝ ફીરકી ઝડપી પાડવામાં આવી છે.