અમદાવાદઃ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ગુજરાત પોલીસ તાલીમ અકાદમી કરાઈ ખાતેથી કે.યુ બેન્ડ મારફતે રાજ્યભરની પોલીસને સંબોધન કર્યું હતું. કોન્સ્ટેબલથી લઈને પોલીસ કમિશનર રેન્કના રાજ્યભરના પોલીસ કર્મચારી-અધિકારીઓને સંબોધન કર્યું હતું. જેમાં બોપલ ઘટનાનો સંદર્ભ આપીને તમામ પોલીસ અધિકારી અને કર્મચારીઓને કડક સૂચના આપવામાં આવી છે.
DGP વિકાસ સહાયે સૂચના આપી છે કે, રાજ્યની કોઈપણ પોલીસ આવું કોઈ પણ ગુનાહિત કૃત્ય કરશે અથવા તેમની સંડોવણી પણ ધ્યાને આવશે તો તેને ચલાવી લેવામાં નહિ આવે. રાજ્યના નાગરિકો જે નામને સન્માન આપી રહ્યા છે તેવા ‘ગુજરાત પોલીસ’નું નામ બદનામ થાય તેવું કોઈ પણ કૃત્ય પોલીસ દ્વારા કરવામાં આવશે તો તેની સામે આકરી કાર્યવાહી થશે. કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિમાં પોલીસ સંકળાયેલી હશે તો તેની સામે તાત્કાલિક અસરથી કડકમાં કડક પગલાં લેવાશે.