Site icon Revoi.in

ગાંધીનગરમાં સરકારી ક્વાટર્સમાં બિન અધિકૃત રહેતા 485 કર્મીઓ સામે કડક પગલાં લેવાશે

Social Share

ગાંધીનગરઃ રાજ્યના પાટનગર હોવાને કારણે ગાંધીનગરમાં અનેક સરકારી કચેરીઓ આવેલી છે. સરકારી કર્મચારીઓને રહેવા માટે સરકાર દ્વારા ક્વાટર્સ આપવામાં આવતા હોય છે. ઘણા કર્મચારીઓ નિવૃત થયા બાદ પણ ક્વાટર ખાલી કરતા નથી. ઘણા કર્મચારીઓ અન્ય શહેરોમાં બદલી થયા બાદ પણ કવાટર ખાલી કરતા નથી. આવા ક્વાટર અન્ય કર્મચારીઓને ભાડે પણ અપાતા હોય છે. આથી પાટનગર યોજના વિભાગ દ્વારા સરકારી ક્વાટર્સમાં અનઅધિકૃત કબજો દૂર કરવા વિવિધ સ્તરે પગલાં ભરવામાં આવી રહ્યાં છે. જેના કારણે ઈવિક્શનના કેસ થયેલાં કર્મચારીઓ અને પેટાભાડૂઆતની નોટીસ મેળવેલાં કર્મચારીઓમાં પણ ફફડાટ વ્યાપી છે.

પાટનગર ગાંધીનગરમાં સરકારી આવાસનો અનઅધિકૃત કબજો કરનારા તથા પેટાભાડૂઆત રાખનારા કર્મચારીઓ સામે પાટનગર યોજના વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અંદાજીત 485 જેટલાં કર્મચારી દ્વારા કરાયેલાં બિનઅધિકૃત કબજા સામે તેમના ડીએ અને ઈન્ક્રીમેન્ટ અટકાવવા સુધીનાં પગલાં ભરવા માટે નોટિસો ફટકારવામાં આવી છે. કર્મચારીઓને નિવૃત્તી અને કેટલાંક કિસ્સામાં બદલી કે મૃત્યુ થવાને કારણે આવાસ પરત કરવાના હોય છે. પરંતુ કર્મચારીઓ દ્વારા આવાસ પરત કરાતાં ના હોવાથી તંત્ર રેડ કરીને ઈવિક્શનના કેસ કરી રહ્યું છે. આ પ્રકારે અનઅધિકૃત કબજો કે પછી પેટાભાડૂઆત રાખીને સરકારી મિલકતનો દૂરઉપયોગ કરતાં તમામ વર્ગના કર્મચારીઓ પર છેલ્લા 5 વર્ષના સમયમાં 470થી પણ વધુ ઈવિક્શનના કેસ કરવામાં આવ્યાં છે. નિવૃત્તિ બાદના કિસ્સામાં કર્મચારીઓને ડીએનો લાભ અટકાવવા તથા 15 કાયમી કર્મચારીઓને પેટા ભાડૂઆત રાખવાના કિસ્સામાં તેમના ડીએ, મેડિકલ અને ઈન્ક્રીમેન્ટ અટકાવવા સુધીના પગલાં ભરવા માટે તંત્રે કર્મચારીઓના સંબધીત વિભાગોને પત્ર વ્યવહાર પણ કર્યો છે. જેથી કરીને આગામી દિવસોમાં કુલ 485 જેટલાં કર્મચારીઓને વચગાળાના તમામ લાભ અટકાવવામાં આવી શકે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા કર્મચારીને ફાળવેલા આવાસના અનઅધિકૃત કબ્જા અને પેટાભાડૂઆત રાખવા બંન્ને બાબતે તંત્ર રેડ કરીને પંચનામું કર્યા બાદ ઈવિક્શન કેસ કરવાના પગલાં ભર્યા છે. ત્યારે 470થી વધુ કેસનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી કર્મચારીઓને મળતાં વચગાળાના તમામ પ્રકારના લાભો પણ અટકશે. જેથી કરીને પેન્શન ધારકોના પેન્શનમાં પણ મોટી કિંમતનો ઘટાડો નોંધાઈ શકે છે. પાટનગરમાં સરકારી આવાસ મેળવવા માટે કાયમી કર્મચારીઓને રાહ જોવાના વારા આવ્યાં છે. ત્યારે કેટલાંક કિસ્સામાં અગાઉ ફાળવેલા આવાસોમાં પેટાભાડૂઆત કે પછી આવાસ ખાલી ના કરીને અનઅધિકૃત કબજો કરનારાઓને કારણે તંત્રને વેઈટીંગ લિસ્ટ ઘટાડવામાં  મુશ્કેલી વર્તાઈ રહી છે, હાલ તંત્રના ચોપડે 5500થી વધુ વેંઈટીંગ છે.