Site icon Revoi.in

અમદાવાદમાં ફાયર એનઓસી નહીં લેનારા બિલ્ડિંગો સામે હવે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી કરાશે

Social Share

અમદાવાદઃ શહેરમાં ફાયર એનઓસી નહોય તેવી બિલ્ડિંગો સામે મ્યુનિ.કોર્પોરેશને તાજેતરમાં જ ઝૂંબેશ હાથ ધરી હતી. બીયુ અને ફાયર એનઓસી ન હોય એવી ઘણીબધી કોમર્શિયલ બિલ્ડિંગોને સીલ પણ મારવામાં આવ્યા હતા. જેનો વેપારીઓએ વિરોધ પણ કર્યો હતો. શહેરમાં ત્રણ હજારથી વધુ હાઈરાઈઝ કોમર્શિયલ, કોમર્શિયલ કમ રેસિડન્સ અને રેસિડન્સ બિલ્ડિંગો છે જેની પાસે ફાયર એનઓસી નથી. આગામી દિવસોમાં આ બિલ્ડિંગ સંચાલકોએ ફાયર સેફ્ટીના સાધનો વસાવી લેવા પડશે અથવા પોલીસ ફરિયાદ માટે તૈયાર રહેવું પડશે.

અમદાવાદ ફાયર વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરની અંદાજે 5700 હાઈરાઈઝ બિલ્ડિંગોને આઈડેન્ટિફાય કરાઈ છે, જેમાંથી અત્યાર સુધીમાં 2246ને નોટિસ અપાઈ ચૂકી છે. ફાયર એનઓસી નહીં લેનારી બિલ્ડિંગો સામે પોલીસ ફરિયાદ ઉપરાંત વીજળી, પાણીનું જોડાણ કાપવા તેમજ સીલિંગ, દંડ વસૂલાત સુધીના પગલાં લેવાશે. અત્યાર સુધીમાં શહેરની 1311 રેસિડન્સ, 411 કોમર્શિયલ કમ રેસિડન્સ અને 297 કોમર્શિયલ હાઈરાઈઝ બિલ્ડિંગોને ફાયર વિભાગે નોટિસ આપી છે. આ બિલ્ડિંગોને 15 દિવસ સુધીમાં ફાયરના સાધનો વસાવી લઈ વિભાગ પાસેથી એનઓસી મેળવી લેવી અથવા કેટલા સમયમાં ફાયરના સાધનો ઈન્સ્ટોલ થશે તેનો સંતોષકારક જવાબ રજૂ કરવા આદેશ કરાયો છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ફાયર વિભાગના વારંવાર રિમાઈન્ડર છતાં હાઈરાઈઝ બિલ્ડિંગોમાં ચેરમેન-સેક્રેટરી અને સભ્યોના આંતરિક વિખવાદના કારણે સાધનો વસાવાતા નથી. ફાયરની એનઓસી લેવી સામૂહિક જવાબદારી છે તે હિસાબે જ તેમની વિરૂદ્ધ હવે પોલીસ ફરિયાદ કરવા નિર્ણય કરાયો છે. ફાયર સેફ્ટી બાબતે ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે લાલ આંખ કરતાં, તંત્ર સફાળું જાગ્યું હતું અને એક અઠવાડિયાથી જુદા જુદા એકમોમાં ફાયર સેફ્ટીની તપાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આગનો બનાવ બને અને ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા ફાયરના લાઈફ સેવિંગ ઈક્વિપમેન્ટ ઉપલબ્ધ હોય તો લોકોના જીવ બચાવી શકાય. ફાયર સેફ્ટીનું ધ્યાન રાખવાની જવાબદારી સામૂહિક જવાબદારી હોય છે. જે રીતે ડ્રાઈવિંગ લાઈસન્સ લેવા લોકો સામે ચાલીને આરટીઓ જતા હોય તે રીતે ફાયર સેફ્ટીની એનઓસી લેવાની લોકોમાં જાગૃતિ આવે તે જરૂરી છે.અમદાવાદમાં ફાયર વિભાગ સક્રિય થતાં ફાયર સેફ્ટી નિષ્ણાતના કાર્ડ લઈને ફરતા લેભાગુ તત્વો પણ સક્રિય થયા છે. ફાયરના સાધનોની ખરીદી અને ઈન્સ્ટોલેશન માટેની એજન્સીઓ લોકો પાસેથી રૂપિયા ઉઘરાવી, હલકી કક્ષાના સાધનો ઈન્સ્ટોલ કરી રહી છે. કેટલાક કિસ્સામાં તો લેભાગુ તત્વો લોકો પાસેથી રૂપિયા ઉઘરાવીને ભાગી ગયા છે. એક બિલ્ડિંગ પાછળ ફાયરના સાધનો વસાવવા આશરે 5.5 લાખ રૂપિયાનો ખર્ચ થતો હોય છે. ફાયર સાધનોની માગ વધતા બજારમાં ક્વોલિટી સાધનોની અછત ઉભી થઈ છે.