લખનૌઃ ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે બળાત્કારીઓને સામે આકરી કાર્યવાહીને લઈને કવાયત શરૂ કરી છે. વિધાનસભામાં ગુરુવારે ચોમાસું સ્તર દરમ્યાન મહિલા ધારાસભ્યો માટે ખાસ દિવસ હતો. આ દિવસ ખાલી મહિલા ધારાસભ્યોએ પોતાની વાત રજૂ કરી હતી. આ દરમિયાન વિધાનસભામાં યુપી સરકાર દ્વારા સીઆરપીસી સંશોધન બિલ રજૂ કરવામાં આવ્યું હતું. સીઆરપીસી સંશોધન બિલ રજૂ કરવામાં આવ્યા બાદ હવે મહિલા સંબંધીત ગંભીર ગુનાઓમાં આરોપીને હવે આગોતરા જામીન નહીં મળે. સરકારે ગંભીર ગુનાઓમાં જામીનના નિયમને લઈ મોટો નિર્ણય કર્યો છે.
યુપીની યોગી આદિત્યનાથ સરકાર તરફથી વિધાનસભામાં સીઆરપીસી સંશોધન બિલ સિવાય અન્ય બીજા બે બિલો પણ રજૂ કરવામાં આવ્યા હતા. આગોતરા જામીન નહીં મળવાની સાથે બિલમાં કેટલાક કેસોમાં સજા વધારાવાનો પણ પ્રસ્તાવ છે. યુપી વિધાનસભા ગૃહમાં 53 મહિલા ધારાસભ્યોને પોતાની વાત રજૂ કરવાનો મોકો મળ્યો હતો. મુખ્યમંત્રી યોગીએ જણાવ્યું હતું કે, અમે બહુ ખુશ છીએ કે, ગૃહમાં બધા જ લોકો નારી શક્તિને જોઈ રહ્યા છે. વિધાનસભાના ચોમાસું સત્ર દરમ્યાન અખિલેશ યાદવે મહિલાઓ સામેના ગુનાઓમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશમાં સીએમ યોગીએ ગુનાખોરીને ડામવા માટે કવાયત શરૂ કરી છે. માથાભારે ગુનેગારો સામે આકરી કાર્યવાહી કરીને તેમની સંપતિ જપ્ત કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવે મહિલા સંબંધિત ગુનાઓને અટકાવવા માટે સરકાર દ્વારા આકરા પગલા લેવામાં આવી રહ્યાં છે.