ઈસ્કોનબ્રિજ દુર્ઘટનામાં કાર ચાલક અને તેના પિતાની સામે આકરી કાર્યવાહી કરાશેઃ હર્ષ સંઘવી
અમદાવાદઃ ઈસ્કોન બ્રિજે ઉપર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મૃતકોના પરિવારનોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સાંત્વાના પાઠવી હતી. તેમજ આરોપી સામે આકરી કાર્યવાહીનો નિર્દેશ કર્યો હતો. એટલું જ નહીં ઘટના સ્થળ પર દોડી જઈને સામાન્ય નાગરિકો સાથે દાદાગીરી કરનાર કાર ચાલકના પિતા સામે પણ કાર્યવાહીના નિર્દેશ કરવામાં આવ્યાં છે.
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ઈસ્કોનબ્રિજ ઉપર કારના અકસ્માતની ઘટના સર્જાતા પોલીસ કર્મચારી અને હોમગાર્ડના જવાન સ્થળ પર દોડી ગયા હતા. દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્ર થયાં હતા. આ દરમિયાન પૂર ઝડપે એક મોટરકાર આવી હતી અને બંને પોલીસ કર્મચારીઓ સહિત અનેક લોકોને અડફેટે લીધા હતા. કાર ચાલક તથ્ય પટેલની હાલ સારવાર ચાલી રહી છે, તબીબની સુચના બાદ આરોપીની ધરપકડ કરવામાં આવશે. સમગ્ર કેસની તપાસ ઉપર પાંચ પીઆઈ, 3 ડીસીપી અને પોલીસ કમિશનર મોનિટરિંગ કરી રહ્યાં છે. ઘટના સ્થળ પર પહોંચીને તથ્ય પટેલના પિતા પ્રગ્નેશ પટેલે દાદાગીરી કરી હતી. જેથી પિતા-પુત્રની સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. સાત દિવસમાં જ સમગ્ર કેસમાં અદાલતમાં ચાર્જશીટ રજુ કરવામાં આવશે. તેમજ આ કેસની કોર્ટ કાર્યવાહી ફાસ્ટટ્રેક કોર્ટમાં કરવામાં આવશે. કેસની સુનાવણી માટે ખાસ સરકારી વકીલની નિમણુંક કરવામાં આવશે. સમગ્ર કેસને લઈને પોલીસ ગંભીર છે અને આ કેસમાં કોઈ કચાસ ના રહે તે માટે કાર્યવાહી કરવામાં આવશે.
દરમિયાન અકસ્માત સર્જીને નિર્દોશ વ્યક્તિઓનો ભોગ લેનાર તથ્યના પિતા પ્રગ્નેશ પટેલ અને વકીલે સમગ્ર બનાવને લઈને તથ્ય પટેલનો લૂલો બચાવ કર્યો હતો. તથ્ય પટેલના વકીલે સમગ્ર ઘટનાને લઈને પોલીસને જવાબદાર ઠરાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, અકસ્માત થયો ત્યારે પોલીસે કેમ બેરિકેટ લગાવીને રસ્તો બ્લોક કર્યો ન હતો. તેમજ રસ્તો વાહન હંકારવા માટે છે અને લોકોના ટોળા એકત્ર થવા માટે નહીં. પ્રગ્નેશ પટેલે કહ્યું હતું કે, કારમાં તથ્યની સાથે તેના મિત્રો હતો તેઓ પોલીસ સમક્ષ હાજર થવા તૈયાર છે.