- કચ્છ જલધારાની ખેડુતોને માગણા પત્રક ભરવાની અપીલ,
- સિંચાઈના બાકી લેણાની રકમ જમા કરાવવા સુચના,
- નહેર માટે સંપાદિત જમીન પર બાંધકામ ન કરવા પણ તાકીદ કરાઈ
ભૂજઃ કચ્છમાં નર્મદાના નીર સિંચાઈના હેતુથી વહેતા થયા બાદ રાપર, ભચાઉ, માંડવી તાલુકાના ખેડૂતો બમણું પાક લણતા થયા છે. સાથે સાથે પાણી ચોરીના કેસ પણ એટલા જ વધતા નર્મદા નિગમની ભચાઉ પેટા વિભાગે ગેરકાયદેસર રીતે પાણી મેળવનારા સામે કડક કાર્યવાહીની ચીમકી આપી છે. નર્મદા કેનાલ પર પંપ અને મશીનો મુકીને બેરોકટોક પાણીની ચોરી કરવામાં આવતી હોય છે. ત્યારે તંત્ર દ્વારા અપાયેલી ચીમકી બાદ પાણીની ચોરી અટકશે કે કેમ તે મોટો પ્રશ્ન છે. દરમિયાન કચ્છ જલધારા સંઘ સંસ્થાએ ખેડૂતોને તાત્કાલિક માગણા પત્રક ભરીને સરકારી વિભાગને પહોંચાડવા અપીલ કરી છે.
કચ્છના ખેડુતો રવિપાકની વાવણી માટે તૈયારીઓ કરી રહ્યા છે. રવિપાકની સીઝનમાં પાકને બચાવવા માટે ખેડુતો નર્મદા કેનાલ પર પંપ કે મશીન મુકીને પાણીની ચોરી કરતા હોય છે. આથી નર્મદા નિગમે પાણીની ચોરી ન કરવા ખેડુતોને અપીલ કરી છે. અને પાણીની જરૂરિયાત મુજબ માગણાપત્રક ભરવા જણાવાયું છે, જો માગણા પત્રક સમયસર ભરવામાં નહીં આવે તો યોગ્ય પાણીનો જથ્થો મેળવવામાં દાવો કરી શકાશે નહીં, તેમ પણ જણાવાયું છે. વધુમાં વધુ દરેક લાભાર્થી ખેડૂતોએ 20 ઓકટોબર પહેલાં સામાન્ય મામૂલી રકમ ભરીને માગણા પત્રક ભરી કાયદેસર હક્ક મેળવવાનો પ્રયાસ કરવા સંસ્થાએ વિનંતી કરી છે. નર્મદા નિગમે સિંચાઈ માટે પાણી આપવા અંગે ખેડૂત ભાઈઓ માટે જાહેરાત આપીને ચેતવણી આપી હતી કે, આગામી રવિ ઋતુમાં નર્મદા કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોને સિંચાઈનું પાણી આપવામાં આવશે, પરંતુ તે માટે અમુક શરતો માન્ય રાખવી પડશે. જે નહેરમાંથી ખેડૂતી પાણી મેળવતા હોય, તે નહેરના લાભાર્થી ખેડૂતો પાણી માટેના માંગણાપત્રકો ભરીને માંગણી કરશે. તેને જ નહેરમાંથી પાણી આપવામાં આવશે.
નર્મદા કમાન્ડ વિસ્તાર સહિતની કેનાલોમાંથી એન્જીન, પમ્પ, બકનળી વગેરે નહેરમાં મૂકી ગેરકાયદેસર રીતે પાણી ઉપાડવા વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. નહેરને નુકશાન થાય તેવી કોઈ પણ પ્રકારની કામગીરી કરવી નહીં, નહેરના પાળાને તોડીને પાણીની પાઈપો પસાર કરવી નહીં તેમજ નહેરના પાળામાંથી માટી લેવી નહિ. નહેર ઉપર મુકવામાં આવેલા ગેઇટને બિન અધિકૃત રીતે ખોલવા/ બંધ કરવા નહીં કે ગેઈટને નુકશાન થાય તેવું કોઈ કાર્ય કરવું નહીં. નહેર કે ગેઇટને કોઈ પણ પ્રકારનું નુકશાન માલુમ પડશે તો સાંયોગિક પુરાવાના આધારે જે તે ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.
નિગમના સૂત્રોએ જણાવ્યું છે કે, નહેરના બાંધકામ માટે સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા સંપાદિત જમીનમાં કોઈ પણ પ્રકારનું કાર્ય કે પાકું બાંધકામ કરવું નહીં, જો કોઈપણ પ્રકારનું દબાણ કરેલું હોય તો તાત્કાલિક અસરની દુર કરી લેવાનું રહેશે. આ અંગે કોઈપણ પ્રશ્ન ઉપસ્થિત થશે તો તેની સઘળી જવાબદારી જે તે ખાતેદારની અંગત રહેશે. નહેરના સ્લોપમાં કે નહેરમાં ઉતરવું નહીં તેમજ ઢોર-ઢાંખર પણ ઉતારવા નહીં. સિંચાઈના લેણાની બાકીની રકમ સત્વરે જમા કરાવવી તેમજ પાણીની માંગણી વિસ્તારનો સિંચાઈ વેરો આગોતરા ભરપાઈ કરવાનો રહેશે. નર્મદા કમાન્ડ વિસ્તારના જે ખેડૂત રવિ પાક માટે સિંચાઈનું પાણી લેવા ઈચ્છતા હોય તેઓએ 20 ઓકટોબર સુધીમાં સિંચાઈ માટે પાણીના માંગણા પત્રક ના.કા.ઈ., સેક્શન અધિકારીની કચેરીમાં રજુ કરવાના રહેશે.