ગાંધીનગરઃ રાજ્યમાં લોકોમાં ટ્રાફિક સેન્સ વધે તે માટે અવાર-નવાર ડ્રાઈવ યોજવામાં આવતી હોય છે. તાજેતરમાં વાહનો પર કાળી ફિલ્મ, યોગ્ય નિયત કરેલી નંબર પ્લેટ્સ નહોય તેની સામે ઝૂંબેશ શરૂ કરવામાં આવી હતી. હવે કેટલાક વાહનો પર એમએલએ, પ્રેસ, પોલીસ તેમજ પક્ષના હોદેદારના પદ લખવામાં આવતા હોય છે. લોકોમાં વટ પાડવા માટે વાહનો પર આવા લખાણો જોવા મળી રહ્યા છે. પરંતુ હવે ટ્રાફિક વિભાગ દ્વારા વાહનો પર પોલીસ, પ્રેસ, કે એમએલએ લખેલું હશે તો એવા વાહન માલિકો સામે કડક પગલાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં ખાનગી ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર પર પોલીસ કે MLA લખીને બિન્ધાસ્ત રીતે ફરતા લોકો સામે હવે પોલીસ કાર્યવાહી કરશે. આ મામલે વાહન વ્યવહાર વિભાગ દ્વારા એક નોટિફિકેશન જાહેર કરાયું છે, જેમાં જણાવાયું છે કે ખાનગી વાહન પર આવું કોઈપણ લખેલું દેખાય તો વાહનચાલક કે વાહન માલિક સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે. વિધાનસભાની જાહેર હિસાબ સમિતિએ આ અંગે કાર્યવાહી કરવા માટે માગ કરી હતી, ત્યાર બાદ સરકારે વાહનો પર ગેરકાયદે લખાણ લખાવતા લોકો સામે કાર્યવાહી કરવા માટે આદેશ બહાર પાડવામાં આવ્યો છે. અગાઉ પણ વાહનો પર પોલીસ કે MLA લખનારા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. હાઈવે પર દોડતી ઘણીબધી કાર પર પોલીસના લખાણ જોવા મળી રહ્યા છે. પોલીસ કર્મચારીઓ પોતાની ખાનગી કાર પર પોલીસ લખેલુ બોર્ડ સાથે રાખે છે, અને હાઈવે પર પોલીસ લખેલું બોર્ડ કારના બોનેટ પર કાચ પાછળ મુકી દે છે, એટલે દુરથી પોલીસ લખેલુ બોર્ડ જોઈ શકાય છે. જ્યારે ચેકિંગ આવે ત્યારે તે પહેલા જ બોર્ડ કારની અંદર જ બેઠા બેઠા જ હટાવી દેવામાં આવે છે. જોકે હવે આવા કારચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, કેટલાક લોકો તો જાણે પોતાને કોઈ કાયદા લાગુ ના પડતા હોય તેમ આવા લખાણ લખાવીને બેરોકટોક ફરતા હોય છે. મોટર વ્હીકલ્સ એક્ટમાં વાહન પર આવા કોઈપણ લખાણ ના લખાવાની જોગવાઈ છે જ, પરંતુ પોલીસ તેનો ભાગ્યે જ અમલ કરે છે. વળી, મોટાભાગના નેતાઓ તેમજ પોલીસવાળાના જ વાહનો પર આવા લખાણ લખેલા જોવા મળતા હોવાથી પોલીસ તેમની સામે કાર્યવાહી કરવાનું પણ ટાળતી હોય છે. હવે જ્યારે વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ દ્વારા આ અંગે ટકોર કર્યા બાદ સફાળો જાગેલો વાહન વ્યવહાર વિભાગ કેટલી કડકાઈથી આ નિયમનું પાલન કરાવે છે તે હવે જોવું રહ્યું.