યૂપીમાં કડક નિર્ણયો લેવાની જરૂર, જાણો પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ વડાપ્રધાન સાથે મુલાકાત દરમ્યાન શું કહ્યું
યૂપી ભાજપના અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી.. આ દરમ્યાન તેમણે લોકસભા ચૂંટણીમાં યૂપીમાં ભાજપના ખરાબ પ્રદર્શનના કારણો સહિત બીજી ઘણી મહત્વની વાતો કરી
પીએમ મોદી સાથે ભૂપેન્દ્ર ચૌધરીની આ મુલાકાત લગભગ દોઢ કલાક સુધી ચાલી હતી. આ દરમિયાન તેમણે પીએમ મોદીને યુપીની જમીની સ્થિતિ વિશે જાણકારી આપી હતી. તેમજ લોકસભા ચૂંટણીમાં હારનું કારણ અને કાર્યકરોની હાલત વિશે પણ માહિતી આપી હતી.
પીએમ મોદી સાથેની મુલાકાતમાં ભૂપેન્દ્ર ચૌધરીએ યુપી સરકારના બે વિભાગો ગૃહ અને માહિતીનો ખાસ ઉલ્લેખ કર્યો. તેમણે પીએમ મોદીને કહ્યું કે બંને વિભાગની કામગીરીથી સંગઠન અને કાર્યકર્તા બંનેને નુકસાન થઈ રહ્યું છે. ગૃહ વિભાગ હેઠળની પોલીસની નિરંકુશ અને બેલગામ કાર્યવાહી વિશે માહિતી આપવામાં આવી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે સૂચના વિભાગ હેઠળ પક્ષના નેતાઓના જ ચારિત્ર્યના હનનનું ષડયંત્ર ચાલી રહ્યું છે.
‘કડક નિર્ણયો લેવાની જરૂર છે’
ભૂપેન્દ્ર ચૌધરીએ પીએમ મોદી સાથેની મુલાકાતમાં લોકસભા ચૂંટણીમાં હારના કારણોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ચૂંટણી દરમિયાન મતદારોના નામ યાદીમાંથી કાઢી નાખવા
અને જાતિ આધારિત ગોળબંધી બનાવવા જેવા ષડયંત્ર રચવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, યુપીમાં કડક નિર્ણયો લેવાની સખત જરૂર છે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષે પીએમ મોદીને
બંધારણને લઈને વિપક્ષો દ્વારા ફેલાવવામાં આવેલી ભ્રમણા અને તેની અસર વિશે પણ માહિતી આપી હતી. તેમણે એમ પણ કહ્યું કે 2027 માટે કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ જગાવવાની જરૂર છે અને આ માટે સરકારની કામગીરીમાં ફેરફાર કરવાની જરૂર છે. બેઠકમાં ચૌધરીએ પીએમ મોદીને યુપીની 10 વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનની રણનીતિ અને તૈયારીઓ વિશે પણ માહિતી આપી હતી.