Site icon Revoi.in

રાજકોટ કલેકટર કચેરીમાં કોન્ટ્રાકટ અને ફિકસ પગારમાં નોકરી કરતા કર્મચારીઓની હડતાળ

Social Share

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે જ કર્મચારીઓના આંદોલનો સરકાર માટે માથાના દુઃખાવા રૂપ બન્યા છે. સરકારી કર્મચારી યુનિયનો સાથે સમાધાન બાદ પણ કેટલાક કર્મચારીઓમાં હજુ નારાજગી છે. ત્યારે સરકારમાં કરાર આધારિત આઉટસોર્સિંગ અને ફિક્સ પગારમાં કામ કરતા કર્મચારીઓ પણ સમાન કામ સમાન વેતનની માગણી કરી રહ્યા છે. રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં કરાર આધારિત, આઉટસોસિગ અને ફિકસ પગાર પર ફરજ બજાવતા કર્મચારીઓ એકાએક હડતાલ પર ઉતરી ગયા છે. શુક્રવારે મોડી સાંજે આ અંગેનો નિર્ણય લેવાયા બાદ કલેકટર સહિતના અધિકારીઓને કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર પાઠવી શનિવારથી અચોક્કસ મુદતની હડતાલ ઉતરી રહ્યાની લેખિતમાં જાણ કરી હતી.

રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં આઉટસોર્સ, કરાર આધારીત અને ફિકસ પગાર પરના કર્મચારીઓની હડતાલના કારણે જનસેવા કેન્દ્ર, જનસંપર્ક શાખા, પુરવઠા, રજીસ્ટ્રી અને બિનખેતી શાખાને તેની સૌથી વધુ અસર થવાની સંભાવના છે. કારણ કે આ તમામ બ્રાન્ચમાં આવા કર્મચારીઓની સંખ્યા વધારે છે. આ ઉપરાંત ડ્રાઇવરો અને સફાઈ કર્મચારીઓ પણ આ હડતાલમાં જોડાતા તેની વ્યાપક અસર ટૂંક સમયમાં જ જોવા મળશે. કર્મચારીઓએ શુક્રવારે સાંજે જિલ્લા કલેકટર અને પોતાના વિભાગના મામલતદારોને આ સંદર્ભે લેખિતમાં જાણ કરી દીધી હતી.

રાજ્યના આઉટસોર્સ, કરાર આધારીત અને ફિકસ પગાર પરના કર્મચારીઓના જણાવ્યા મુજબ તારીખ ચાર એપ્રિલ 2010 થી વર્ગ ચારની ભરતી ફિકસ પગાર, કોન્ટ્રાકટ અને આઉટસોર્સથી કરવામાં આવે છે. કર્મચારીઓને મામૂલી વળતર પગાર પેટે મળે છે. કર્મચારીઓનું થતું શોષણ દૂર કરવા માટે તેમને કાયમી કરવા જોઈએ તેવી માગણી સાથે ચોક્કસ મુદતની હડતાલ ગુજરાત જનતા જાગૃતિ મંચના નેજા હેઠળ કરવામાં આવી છે.