જામનગર, રાજકોટ અને વડોદરાના જુનિયર તબીબોની હડતાળ સમેટાઈ, અમદાવાદના તબીબો મક્કમ રહ્યા
અમદાવાદઃ રાજ્યમાં કેટલાક દિવસથી જુનિયર તબીબોની હડતાળ ચાલી રહી છે. આ વખતે સરકારે જુનિયર તબીબોની હડતાળ સામે કડક વલણ દાખવ્યું છે. દરમિયાન જામનગર બાદ હવે વડોદરા અને રાજકોટમાં રેસિડેન્ટ તબીબોની હડતાળ સમેટાઈ છે. રાજ્ય સરકારે ખાતરી આપતા વડોદરાના રેસિડન્ટ તબીબોએ હડતાળ સમેટવાની જાહેરાત કરી છે. હડતાળ સમેટી વડોદરા અને રાજકોટના તબીબો ફરજ પર પરત ફર્યા છે. ત્યારે હોસ્પિટલમાં OPD સહિતની કામગીરી શરૂ થતા દર્દીઓને રાહત થઈ છે. જોકે અમદાવાદ સહિત ચાર સેન્ટર પર તબીબોની હડતાળ યથાવત છે.
રાજ્યમાં જામનગર, વડોદરા અને રાજકોટમાં તબીબોની હડતાળનો અંત આવી ગયો છે.જ્યારે ચાર સેન્ટર પર રેસિડેન્ટ ડૉક્ટર્સની હડતાળ યથાવત છે. સૌથી પહેલા જામનગરના તબીબોએ હડતાળ સમેટવાની જાહેરાત કરી હતી. જામનગરના ડૉક્ટર્સ આજે ડ્યુટી જોઈન કરી હતી. જ્યારે આજે વડોદરા અને રાજકોટમાં પણ હડતાળ સમેટાઈ છે. આમ, રાજકોટ, જામનગર અને વડોદરામાં આઠ દિવસથી ચાલતી તબીબોની હડતાળનો આખરે અંત આવ્યો છે. વડોદરામાં 500 જેટલા તબીબો આજે ડ્યુટી જોઈન કરી હતી. રાજકોટના 400 જેટલા ડોક્ટરોએ હડતાળ સમેટવાની જાહેરાત કરી છે. જોકે, અમદાવાદ, સુરત અને ભાવનગરની હડતાળ હજી સમેટાઈ નથી. આ ત્રણ શહેરોના તબીબોની હડતાળ હજી પણ યથાવત છે.
અમદાવાદમાં ડૉક્ટર્સે કોવિડ અને ઈમરજન્સી ડ્યુટી પણ બંધ કરી છે. તમામ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે મળેલી બેઠકો બાદ પણ યોગ્ય ઉકેલ ના આવતા ફરી મામલો બિચક્યો છે. રેસિડેન્ટ ડૉક્ટર્સ સાથે આરોગ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી, આરોગ્ય કમિશનર તેમજ મેડિકલ કોલેજોના સિનિયર ફેકલ્ટીની હાજરીમાં બેઠક મળી હતી. જુનિયર ડોક્ટર એસોસિયેશને તમામ 6 મુદ્દાઓને લઈને બેઠકમાં ચર્ચા કરી હતી. સિનિયર રેસિડેન્સીને બોન્ડ બરોબર ગણવાની માંગ માત્ર 2018ની બેચ માટે તૈયારી દર્શવાવામાં આવી હતી. પરંતુ 2019 અને 2020 ની બેચ માટે સરકારે તૈયારી ના દર્શાવતા નારાજગી યથાવત છે.