Site icon Revoi.in

રાજ્યમાં ક્વોરી ઉત્પાદકોની હડતાળથી કપચીની ખેંચ પડતા બાંધકામ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ક્વોરી ઉદ્યોગના સંચાલકો છેલ્લા 10 દિવસથી પોતાની વિવિધ અને પડતર માગણીઓના ઉકેલ માટે હડતાળ પર ઉતર્યા છે. તેથી કપચીનું ઉત્પાદન ઠપ થઈ ગયું છે. આમ કપચીની ખેચ ઊભી થતા બાંધકામ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. સરકારના ચાલતા કામોના કોન્ટ્રાક્ટરોએ પણ કપચીની ખેંચથી કામો અટકાવી દીધા છે. અમદાવાદ શહેરમાં રોડ- રસ્તાની કામગીરી પર પણ સીધી અસર પડી છે. છેલ્લા એક અઠવાડિયાથી રોડ રિસરફેસ અને નવા બનાવવાની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે.જે કોન્ટ્રાક્ટરો પાસે અગાઉથી મંગાવેલો માલ પડ્યો છે તેઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ જો આ હડતાળ વધુ લાંબી ચાલશે તો અમદાવાદ શહેરમાં તમામ રોડ-રસ્તાના કામ બે દિવસમાં સંપૂર્ણપણે બંધ થઈ જાય તેવી સ્થિતિ છે.

રાજ્યભરમાં ક્વોરી ઉદ્યોગની છેલ્લા 10 દિવસથી હડતાળ ચાલી રહી છે. તેના લીધે કપચીની ખેંચ ઊભી થઈ છે. ખાનગી બિલ્ડરોએ પણ કામો અટકાવી દીધા છે. જે બિલ્ડરોની ક્વોરી હડતાળની આગોતરી જાણ હતી તેવા બિલ્ડરોએ કપચીનો સ્ટોક કરી લીધો હતો. તેથી આવા બિલ્ડરોના કામ પર કોઈ અસર પડી નથી. જ્યારે સરકારી કોન્ટ્રાકટરોને મુશ્કેલી પડી રહી છે. કપચીની અછતને લીધે કામો અટકી પડ્યા છે. અને શ્રમિકોને પણ રજાઓ આપી દીધી છે.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં કપચી ઉત્પાદકોની હડતાળના કારણે હાલમાં રોડના કામો બંધ છે. આશરે 500થી 800 મેટ્રિક ટન માલ કેટલાક કોન્ટ્રાક્ટરો પાસે માલ પડયો છે તેમના દ્વારા કામો કરવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં કપચી ઉત્પાદકોના પ્રશ્નોનો ઝડપથી નિકાલ આવે તેવી શક્યતા જણાઈ રહી છે. શહેરમાં રોડ રસ્તાની કામગીરીને લઇને પહેલાથી જ મ્યુનિસિપલ કોર્પોરેશન પર માછલા ધોવાઈ રહ્યા છે. રોડ એન્ડ બિલ્ડિંગ ખાતા દ્વારા કામગીરી ધીમી ચાલતી હોવાની મ્યુનિસિપલ કમિશનરની નારાજગી બાદ શહેરમાં રોડના કામો ઝડપથી શરૂ થયા હતા. દરેક ઝોનમાં રોડની કામગીરી કરવામાં આવી રહી હતી અને રોજના 4000 મેટ્રિક ટન જેટલો ડામર વાપરીને કામગીરી થઈ રહી હતી. જોકે છેલ્લા દસ દિવસથી રાજ્યમાં કપચી ઉત્પાદકો દ્વારા હડતાળ પાડવામાં આવતા કામગીરી પર મોટી અસર પડી છે.

મ્યુનિ.કોર્પોરેશનના અધિકારીઓના કહેવા મુજબ હાલમાં જે કોન્ટ્રાક્ટરો કામગીરી કરી રહ્યા છે તેમની પાસે ખૂબ જ ઓછો માલ છે અને અત્યારે 500 મેટ્રિક ટન જેટલું કામ શહેરમાં ચાલી રહ્યું છે. કપચી ઉત્પાદકોની હડતાલના કારણે શહેરમાં જે ખરાબ રોડ છે, તેને રિપેર કરવાની અને રિસરફેસ તેમ જ જ્યાં નવા રોડ બનાવવાની જરૂરિયાત છે તેની કામગીરી પર અસર પડી છે. જો કપચી ઉત્પાદકોની હડતાલ ઝડપથી પૂર્ણ નહીં થાય તો આગામી એક મહિનામાં ચોમાસા પહેલા રોડ બનાવવાની કામગીરી પૂર્ણ કરવાની હોય તે પૂરી નહીં થઈ શકે અને ચોમાસા દરમિયાન રોડ બનાવવાની કામગીરી બંધ રહે છે જેથી શહેરમાં ચોમાસા દરમિયાન રોડ પર લોકોને વધુ હાલાકીનો સામનો કરવો પડી શકે છે.