રાજકોટઃ શહેરની મ્યુનિ.કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરો પ્રોફેશનલ ટેક્સના મુદ્દે હડતાળ પર ઉતર્યા છે. મ્યુનિ. દ્વારા વર્ષ 2006થી પ્રોફેશલ ટેક્સની રકમ માગવામાં આવી રહી છે. જ્યારે કોન્ટ્રાકટરો ચાલુ વર્ષથી એટલે કે એપ્રિલ 2024થી પ્રોફેશનલ ટેક્સ લેવાની માગ કરી રહ્યા છે. કોન્ટ્રાક્ટરોએ પોતાની માગણી નહીં સ્વીકારાય તો કાલે સોમવારથી પાણી વિતરણ અને ડ્રેનેજની ફરિયાદોના નિકાલની કામગીરી બંધ કરી દેવાની ચીમકી આપી છે.
રાજકોટ શહેરના તમામ 18 વોર્ડના ઝોનલ કોન્ટ્રાક્ટરો હડતાળ પર ઉતરી ગયા છે અને ત્રણ દિવસથી પેવિંગ બ્લોક, રોડ-રસ્તા સહિતની કામગીરી બંધ કરી દીધી છે. કોન્ટ્રાક્ટરોએ પોતાની માંગ પૂરી કરાવવા અને તંત્ર પર દબાણ લાવવા માટે સોમવારથી પાણી વિતરણ અને ડ્રેનેજની ફરિયાદોના નિકાલની કામગીરી બંધ કરવાની ચીમકી આપતો પત્ર કમિશનરને લખ્યો છે. એમાં એવી રજુઆત કરવામાં આવી છે કે, મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આરસી પ્રોફેશનલ ટેક્સ લાગુ કરવામાં આવ્યો હોય જેના ભાગરૂપે ત્રણ મહિના અગાઉ જ જાણ કરવામાં આવી હતી અને કોન્ટ્રાક્ટરો પાસેથી વર્ષ 2006થી અત્યાર સુધીની રકમ ઉઘરાવવાની માંગ કરાઇ રહી છે, જે ગેરવાજબી છે. જેથી કોન્ટ્રાક્ટરો તમામ પ્રકારના કામ બંધ કરી હડતાળ પર ઉતરી ગયા છે. પરંતુ પાણીના વાલ્વ ખોલવા બંધ કરવાની તેમજ ડ્રેનેજની ફરિયાદ નિકાલની કામગીરી હાલ ચાલુ છે, પરંતુ કોન્ટ્રાકટોરની માંગ સ્વીકારવામાં નહીં આવે તો સોમવારથી પાણી વિતરણ અને ડ્રેનેજની ફરિયાદોના નિકાલની કામગીરી પણ બંધ કરી દેવાશે.
મ્યુનિના કોન્ટ્રાક્ટરોએ માંગ કરી હતી કે, ચાલુ નાણાકીય વર્ષ એટલે કે 1 એપ્રિલથી આરસી પ્રોફેશનલ ટેક્સ લાગુ કરવો જોઇએ, અને 27મી મેના રોજ જે પરિપત્ર પ્રસિદ્ધ કરાયો છે તેને પણ રદ કરી દેવો જોઇએ, જૂના નાણાકીય વર્ષ 2021થી 23 દરમિયાન જીએસટી સ્લેબ 12 ટકાથી 18 ટકા કરાયો છે તેના ડિફરન્સની છ ટકાની રકમ પણ મનપા દ્વારા કોન્ટ્રાક્ટરોને પરત કરવી જોઇએ. કોન્ટ્રાક્ટરો ત્રણ દિવસથી હડતાળ પર ઉતરીને દેખાવ કરી રહ્યા છે, પરંતુ મ્યુનિના તંત્ર પર તેની કોઇ વિપરીત અસર જોવા મળી નથી. હવે પદાધિકારીઓએ દરેક વોર્ડમાં લોકદરબારનો કાર્યક્રમ જાહેર કર્યો છે ત્યારે કોન્ટ્રાક્ટરોએ પ્રાથમિક જરૂરિયાત પાણી અને ડ્રેનેજના કામો અટકાવી દેવાની ચીમકી આપતા અધિકારીઓએ આ મામલે બેઠકનો દોર શરૂ કર્યો હતો.