નવી દિલ્હીઃ વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અત્યાર જ વિપક્ષી પાર્ટીના નેતા નીતિશકુમાર, મમતા બેનર્જી સહિતના નેતાઓએ કવાયત શરૂ કરી છે. તેમજ વિપક્ષને ભાજપની સામે એકત્ર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ ભાજપાએ પણ હવે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન ભાજપની મંથન બેઠકમાં પ્રદેશ પ્રમુખ જેપી નડ્ડા અને કેન્દ્રીય મંત્રી અમિત શાહે મંત્રીઓ અને નેતાઓને સંગઠનને વધારે મજબુત બનાવવા માટે તાકીદ કરી હતી. આગામી લોકસભાની ચૂંટણીમાં 350થી વધારે બેઠકો માટે અત્યારથી જ કવાયત શરૂ કરી દેવી છે. દરમિયાન અમિત શાહે જણાવ્યું હતું કે, સંગઠનનો મજબૂત આધાર અને PM મોદીનો કરિશ્મા 2024 માટે BJPની જીતની ફોર્મ્યુલા હશે.
ભાજપની મંથન બેઠક દરમિયાન પાર્ટી પ્રમુખ જેપી નડ્ડા અને મુખ્ય રણનીતિકાર અમિત શાહે મંત્રીઓએ પોતાને ફાળવવામાં આવેલા સંસદીય ક્ષેત્રોની મુલાકાત લઈને ત્યાંની શું પરિસ્થિતિ છે તેનો તકાજો નથી મેળવ્યો તેમને અમિત શાહે ચેતવણી આપી દીધી હતી. અમિત શાહે કહ્યું હતું કે, ‘આપણે અહીં સંગઠનના કારણે છીએ, સરકાર પણ સંગઠનના કારણે છે. ‘સંગઠનનો મજબૂત આધાર અને પીએમ મોદીનો કરિશ્મા 2024 માટે જીતની ફોર્મ્યુલા હશે. ’સંગઠનને પ્રાથમિકતા આપવી જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી લોકપ્રિય છે. પીએમ મોદીના નામે કોઈ પણ જીતી શકે છે પરંતુ જો જમીની સ્તરે કોઈ સંગઠન નથી તો આપણે તેનો ફાયદો નહીં ઉઠાવી શકીએ.’ અમિત શાહે કહ્યું હતું કે, ‘ ભાજપને ગત 2019ની સરખામણીએ વધારે બેઠકો જીતવાની છે, 2014માં હાર્યા હતા તે બેઠકોમાંથી 30 ટકા બેઠકો 2019માં જીત્યા હતા, 2019માં જે બેઠકો પર હાર મળેલી તેમાંથી 50 ટકા બેઠકો જીતવાની છે.’
અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ અત્યારથી જ પ્રચાર તેજ બનાવ્યો છે, વિપક્ષના નેતાઓ સમગ્ર દેશમાં ભ્રમણ કરી રહ્યાં છે. બીજી તરફ ભાજપ દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં ભાજપ વધારે મજબુત બની છે. તેમજ આગામી દિવસોમાં વિવિધ રાજ્યોમાં યોજનારી વિધાનસભાની ચૂંટણીમાં પણ મોદીના નામે જ પ્રચાર કરવાનું ભાજપ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. તેમજ સીએમ પદના ઉમેદવારોના નામ પહેલાથી જાહેર નહીં કરવાનું નક્કી કર્યું હતું.
(Photo-File)