Site icon Revoi.in

નેપાળમાં ભૂકંપના જોરદાર આંચકા,અત્યાર સુધીમાં 70 લોકોના મોત,પીએમ પ્રચંડે શોક વ્યક્ત કર્યો

Social Share

દિલ્હી: નેપાળમાં શુક્રવારે રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.4 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર જાજરકોટ જિલ્લામાં જમીનની નીચે 10 કિલોમીટરની ઉંડાઈએ હતું.

પશ્ચિમ નેપાળમાં આવેલા પ્રચંડ ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 70 લોકોના મોત થયા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે. ભૂકંપના કારણે અનેક મકાનો ધરાશાયી થયા છે. નેપાળી અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે રૂકુમ પશ્ચિમમાં 36 લોકોના મોત થયા છે, જ્યારે જાજરકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 34 લોકોના મોત થયા છે. ભૂકંપ બાદ બચાવ દળ બચાવ કામગીરીમાં લાગેલું છે.શુક્રવારે રાત્રે લગભગ 11.30 વાગ્યે નેપાળના પશ્ચિમ વિસ્તારમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.4 માપવામાં આવી છે.

નેપાળના રાષ્ટ્રીય ધરતીકંપ માપન કેન્દ્રના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભૂકંપ રાત્રે 11.47 વાગ્યે આવ્યો હતો, જેનું કેન્દ્ર જાજરકોટમાં ભૂગર્ભમાં 10 કિલોમીટરની ઊંડાઈમાં હતું. ભૂકંપની અસર ભારત અને ચીનમાં પણ જોવા મળી હતી. ભારતમાં પણ લગભગ 40 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

નેપાળની રાજધાની કાઠમંડુ અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જાજરકોટ કાઠમંડુથી પશ્ચિમમાં લગભગ 500 કિલોમીટર દૂર છે. ભૂકંપના આંચકા અનુભવાતા જ કાઠમંડુમાં લોકો ઘરની બહાર આવી ગયા હતા. આ દરમિયાન લોકો રસ્તા પર ડરી ગયેલા જોવા મળ્યા હતા.

નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે ભૂકંપના કારણે જાનમાલના નુકસાન પર શોક વ્યક્ત કર્યો છે. નેપાળના પીએમઓએ ટ્વીટ કર્યું, વડાપ્રધાન પુષ્પ કમલ દહલે શુક્રવારે રાત્રે 11.47 કલાકે જાજરકોટના રામીદાંડામાં આવેલા ભૂકંપના કારણે જાનહાનિ અને મકાનોના નુકસાન પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. ઘાયલોને તાત્કાલિક બચાવ અને રાહત માટે ત્રણેય સુરક્ષા એજન્સીઓને તૈનાત કરવામાં આવી છે.

હિમાલયના દેશ નેપાળમાં ભૂકંપ સામાન્ય છે. 2015 માં, 7.8 તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો, જેમાં 12,000 થી વધુ લોકો માર્યા ગયા હતા અને હજારો મકાનો નાશ પામ્યા હતા.