બેંગ્લોરઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો સ્પષ્ટ બહુમતી સાથે વિજય થયો હતો. જો કે, હવે મુખ્યમંત્રીને લઈને કોંગ્રેસમાં અંદરખાને ખેંચતાણ ચાલી રહી છે. હાલ મુખ્યમંત્રીની રેસમાં પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, ડીકે શિવકુમાર, ડો. જી પરમેશ્વર અને એમબી પાટીલના નામ ચર્ચાઈ રહ્યાં છે. જો કે, આ મુખ્યમંત્રી અંગેનો નિર્ણય કોંગ્રેસ હાઈ કમાન્ડ જ લેશે. પરંતુ કોંગ્રેસના કેટલાક નેતાઓએ મુખ્યમંત્રીની સિટ ઉપર બેસવા માટે હવાતિયા મારવાનું શરૂ કરી દીધું છે.
દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી સિધ્ધારમૈયાએ મુખ્યમંત્રીની અંગે ફોર્મુલા રજુ કરી છે, જે અનુસાર પ્રથમ બે વર્ષ પોતાને તથા બાકીના 3 વર્ષ ડીકે શિવકુમારને સીએમ બનાવવા ભાલમણ કરી છે. સિદ્ધારમૈયાની આ ભલામણથી કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. તેમજ આગામી દિવસોમાં જુથવાદ સામે આવવાની આશા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
કોંગ્રેસના સિનિયર નેતા સિદ્ધારમૈયાએ સત્તાની વહેંચલીને લઈને સુચન કર્યું છે કે, પ્રથમ બે વર્ષ પોતાને મુખ્યમંત્રી બનાવવામાં આવે, જ્યારે બાકીના 3 વર્ષ ડીકે શિવકુમારને જવાબદારી સોંપવામાં આવે. તેમણે કહ્યું કે, મારી ઉંમર થઈ ગઈ હતી. એટલે કે વર્ષ 2024માં યોજનારી લોકસભાની ચૂંટણી સુધી પ્રથમ તબક્કામાં સરકાર ચલાવવી જોઈએ. જો કે, શિવકુમારે આ ફોર્મુલાને રાજસ્થાન અને છત્તીસગઢનો હલાવો આપીને ફગાવી દીધી છે. કર્ણાટકમાં સીએમની પસંદગીને લઈને કોગ્રેસમાં પણ મનોમંથન શરુ થયું છે. ડીકે શિવકુમારે કોંગ્રેસના વફાદાર સિપાહી તરીકે પોતાની છાપ ઉભી કરી છે. શિવકુમારે છેલ્લા 3 વર્ષમાં કરેલી કામગીરીને પગલે કર્ણાટકમાં કોંગ્રેસની પક્કડ વધારે મજબુત બની છે. જો શિવકુમારને સાઈડલાઈન કરવામાં આવે તો કંઈક નવા-જૂની થવાના એંધાણ છે.
અગાઉ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ મુખ્યમંત્રીને લઈને વિવાદ થયો હતો. રાજસ્થાનમાં અશોક ગહેલોત અને સચિન પાટલોટ વચ્ચે આંતરિક વિવાદ ચાલી રહ્યો છે. બીજી તરફ મધ્યપ્રદેશમાં પણ જ્યોતિરાદિત્ય સિંધિયાને બદલે કમલનાથને સીએમ બનાવાયાં હતા. જો કે, સિંધિયા કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં જોડાયા હતા. હાલ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં સિંધિયા કેન્દ્રીય મંત્રી છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવી સ્થિતિ કર્ણાટકમાં ઉભી ના થાય તે કોંગ્રેસે કવાયત શરૂ કરી છે.