Site icon Revoi.in

અમદાવાદના એરપોર્ટથી વડોદરા જવા માટે STની AC વોલ્વો બસ સેવાનો પ્રારંભ

Social Share

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવાસી ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના પ્રવાસીઓ પણ વિદેશ જવા માટે અમદાવાદ એરપોર્ટ પરથી જ જતા હોય છે. અને વિદેશથી ગુજરાત આવતા પ્રવાસીઓ પણ  અમદાવાદ લેન્ડ થતાં હોય છે. ખાસ કરીને વડોદરા જતા પ્રવાસીઓ માટે એસટી વિભાગે અમદાવાદ એરપોર્ટથી એસી વોલ્વો બસ સેવા શરૂ કરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટથી વિદેશ જવા અનેક ફ્લાઈટ્સ ઉડાન ભરે છે. ઉપરાંત એરપોર્ટ પરથી મોટાભાગના રાજ્યોમાં જવા ડોમેસ્ટિક ફ્લાઈટની સુવિધા મળી રહે છે. તેથી ગુજરાતના દરેક મુસાફરને અમદાવાદ એરપોર્ટ તો આવવુ જ પડે છે. પરંતું અહી સુધી પહોંચવા માટે અને એરપોર્ટથી બહાર નીકળ્યા બાદ ઘર સુધી પહોંચવા માટે તેમને કેબ કે ટેક્સી બુક કરાવવી પડતી હોય છે. ત્યારે એસટી વિભાગ દ્વારા વિમાની પ્રવાસીઓ માટે સુવિધા શરૂ કરવામાં આવી છે. હવેથી અમદાવાદ એરપોર્ટથી સીધી વડોદરાની એસટીની એસી વોલ્વો બસ સેવાનો પ્રારંભ કરાયો છે, દિવસ દરમિયાન એસટીની બે વોલ્વો બસ અમદાવાદ એરપોર્ટથી સીધી વડોદરા જશે.

સૂત્રોના કહેવા મુજબ અમદાવાદ એરપોર્ટથી વિવિધ શહેરોમાં જવા-આવવા માટે એસટી નિગમ દ્વારા વોલ્વો એસી બસ શરૂ કરવામાં આવી રહી છે.  મહિના પહેલા જ એસટી વિભાગ દ્વારા અમદાવાદ એરપોર્ટથી રાજકોટ સુધીની એસી વોલ્વો બસ સર્વિસ શરૂ કરાઈ હતી. જોકે, આ બસ સેવાને ખાસ રિસ્પોન્સ મળ્યો નથી. જોકે, વડોદરાની ટ્રીપ ફળદાયી નીવડશે તેવી એસટી વિભાગને આશા છે. કારણ કે, વડોદરા એ મધ્ય ગુજરાતનું કેન્દ્ર બિંદુ છે. સાથે જ વડોદરા અને અમદાવાદના જોડતો એક્સપ્રેસ હાઈવે પણ આ માટે બહુ જ કામનો બની શકશે. જોકે, આગામી સમયમાં ઉત્તર ગુજરાત, કચ્છ તથા ઉદયપુર માટેની બસ તથા દક્ષિણ ગુજરાતથી અમદાવાદ એરપોર્ટ સુધીની બસ સુવિધા પણ શરૂ કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે.