અમદાવાદઃ ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમ યાને જન્માષ્ટમીના પર્વનું વિશેષ મહાત્મ્ય છે. સૌરાષ્ટ્રમાં તો ગામેગામ સાતમ-આઠમના પર્વ પર લોકમેળાઓ યોજાતા હોય છે. અને બહારગામ રહેલા લોકો પોતાના વતનમાં પર્વની મોજ મણવા માટે આવતા હોય છે. ઉપરાંત સાતમ-આઠમની રજાઓમાં ઘણાબધા લોકો પ્રવાસનું પણ આયોજન કરતા હોય છે. તેના લીધે ટ્રાફિક ખૂબ રહેતો હોય છે. એટલે ટ્રાફિકને પહોંચી વળવા માટે એસ.ટી નિગમ દ્વારા એકસ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સાતમ-આઠમના તહેવારને ધ્યાનમાં રાખીને એસ ટી બસોનું એક્સ્ટ્રા સંચાલન કરવાનો નિગમે આદેશ કર્યો છે. 21 ઑગસ્ટ સુધી જન્માષ્ઠમીના તહેવારોની જાહેર રજા હોવાથી એક્સ્ટ્રા બસો દોડાવીને નિગમની આવકમાં વધારો થાય અને મુસાફરોને બસની સુવિધા મળી રહે તે માટે નિગમે આદેશ કર્યો છે. એસ ટી નિગમે સાતમ-આઠમના તહેવારોમાં એસ ટી બસોનું એક્સ્ટ્રા સંચાલન કરવાનો ડેપો મૅનેજરોને પણ સુચના આપવામાં આવી છે. 21 ઑગસ્ટ સુધી તહેવારોની જાહેર રજાઓ હોવાથી લોકો મોટી સંખ્યામાં વતનમાં કે પ્રવાસન સ્થળોએ પરિવાર સાથે ફરવા જતા હોય છે. મુસાફરોને બસની સુવિધાઓ મળી રહે તે માટે મુસાફરોની માંગણીને ધ્યાનમાં રાખીને પ્રવાસન સ્થળોએ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાશે ગત વર્ષના એકસ્ટ્રા સંચાલનને અને મુસાફરોની માંગને ધ્યાનમાં રાખીને આયોજન કરવાનું રહેશે. એકસ્ટ્રા બસોનું સંચાલન એવી રીતે કરવાનું રહેશે કે નિગમની અન્ય સર્વિસોની સમાંતર થાય નહી. એસ ટી નિગમની એક્સપ્રેસ સર્વિસો રદ થાય અને આવકના પ્રમાણનું પણ રોજેરોજનું મોનીટરીંગ કરવાનું રહેશે. મહાનગરો, જિલ્લા અને તાલુકા મથકોને જોડતી સર્વિસોની પીકઅવર્સમાં ફ્રિક્વન્સી વધારવી. એકસ્ટ્રા સંચાલન દરમિયાન કર્મચારીઓની ગેરહાજરી નિયંત્રિત કરવી સહિતની તકેદારી રાખવાનો ઉલ્લેખ એસ ટી નિગમના આદેશમાં કરવામાં આવ્યો છે.