રાજકોટ : જિલ્લાના જસદણના આટકોટ અને હનુમાન ખારચીયા ગામ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જસદણની એકલવ્ય સ્કૂલનીવેન અને કાર વચ્ચેને અકસ્માત સર્જાતા ધોરણ 5ની વિદ્યાર્થિનીનું મોત નિપજ્યુ છે. સ્કૂલવાનમાં સવાર બે વિદ્યાર્થી સહિત 7 લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ – જસદણ હાઈવે અકસ્માતોનું સેન્ટર બની રહ્યુ છે. આ હાઈવે પર વારંવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે. ત્યારે એક માસુમ વિદ્યાર્થિનીનો ભોગ લેવાયો છે. જસદણમાં એકલવ્ય સ્કૂલ આવેલી છે. સવારે વિદ્યાર્થીઓને ભરેલી સ્કૂલ વાન વીરનગર તરફ જઈ રહી હતી, ત્યારે ખારચીયા ગોળાઈ પાસે સામેથી એક એસન્ટ કાર સ્કૂલ વાન સાથે અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે, કાર રોડની નીચે ઉતરી ગઈ હતી. તો બીજી તરફ, સ્કૂન વાનમાં સવાર બાળકો રડવા લાગ્યા હતા. સ્કૂલ વાનમાં ત્રણ વિદ્યાર્થીઓ સવાર હતા. જેમાં એક વિદ્યાર્થિનીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. ધોરણ-5 માં ભણતી વિદ્યાર્થીનીનું મોત થતા જ તેના પરિવારજનો દોડી આવ્યા હતા. જેથી સ્થળ પર ભાવુક દ્રષ્યો સર્જાયા હતા. તો બીજી તરફ કારમાં પાંચ લોકો સવાર હતા. અકસ્માતમાં કારમાં સવાર ભોળાભાઈ રામાણી, ચંદ્રિકાબેન રામાણી, દયાબેન, રામાણી શિલ્પાબેન એમ પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માત બાદ વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો. બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી,