Site icon Revoi.in

ગુજરાતમાં ઓનલાઈન-ઓફલાઈન એજ્યુકેશનથી વિદ્યાર્થીઓ તથા શિક્ષકો મુઝવણમાં

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટતા સ્કૂલોમાં ધો-6થી 12ના વર્ગો ચાલી રહ્યાં છે. જો કે, કોરોનાના સંક્રમણના ડરના પગલે કેટલાક વાલીઓ હજુ સંતાનોને સ્કૂલ મોકલતા નથી. જેથી આવા વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવે છે. આમ ઓનલાઈન અને ઓફલાઈન સમાંતર ધોરણે ભણાવવાનું શિક્ષકો મુશ્કેલ બન્યું હોવાનું જાણવા મળે છે. તેમજ શિક્ષકો ઓનલાઈન ભણતા વિદ્યાર્થીઓ પર પુરતુ ધ્યાન આપી શકાત નહીં હોવાની ફરિયાદો ઉઠી છે. બીજી તરફ વિદ્યાર્થીઓ પણ ઓનલાઈન અને ઓફલાઈન એજ્યુકેશનના કારણે મુશ્કેલીમાં મુકાયાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઓનલાઈન એજ્યુકેશમાં અનેક કિસ્સામાં ઈન્ટરનેટ કનેકટીવીટી નબળી રહેતી હોવાથી શિક્ષકો તકલીફમાં મુકાઈ જાય છે ક્લાસ રૂમમાં હાજર વિદ્યાર્થીઓ અને ઘેર બેસીને ભણતા વિદ્યાર્થીઓનાં સવાલ એક સાથે આવે એટલે હાલત કફોડી બની જાય છે. શિક્ષકોએ અભ્યાસ સામગ્રી ઓનલાઈન અપલોડ કરવાનું બંધ કરી દીધુ છે. એટલે ઓનલાઈન ભણતા વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા છે.  ખાનગી શાળાની એક શિક્ષિકાએ જણાવ્યું હતું કે, 99 ટકા ધ્યાન ક્લાસરૂમમાં બેઠેલા વિદ્યાર્થીઓ પર હોય છે. એટલે ઓનલાઈન ભણતા વિદ્યાર્થીઓ પર મોટાભાગે ધ્યાન આપી શકાતું નથી. આ ઉપરાંત ટેકનીકલ ક્ષતિ ઉભી થતી હોવાને કારણે પણ ઓનલાઈન વિદ્યાર્થીઓને ઘણુ ગુમાવવુ પડે છે જેથી એકસ્ટ્રા કલાસ લેવા પડે છે એટલે કામનો બોજ વધી ગયો છે.

અત્રે ઉલ્લેખનીય છે, સરકાર દ્વારા આગામી દિવસોમાં ધો-1થી 5ના વર્ગો શરૂ કરવા અંગે વિચારણા કરી રહી છે. તેમજ ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઈને કવાયત શરૂ કરવામાં આવી છે.