Site icon Revoi.in

ભારતથી કેનેડાની સીધી ફ્લાઈટ્સ ન હોવાથી વિદ્યાર્થીઓ ટિકિટનું ડબલ ભાડુ ચૂકવવા મજબુર

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પણ હજુ વિદેશી ફ્લાઈટ્સનું આવાગમન શરૂ થયુ નથી. તેથી કેનેડામાં અભ્યાસ કરવા જવા માગતા વિદ્યાર્થીઓને મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કોવિડને કારણે કેટલાક દેશોમાં સીધી ફ્લાઈટની કનેક્ટિવિટી શરૂ થઈ નથી. એવામાં કેનેડા કે જ્યાં ગુજરાત અને દેશભરમાંથી મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જતા હોય છે.

કોરોનાના કેસ ઘટતાં હવે વિદ્યાર્થીઓએ અભ્યાસ માટે કેનેડા પહોંચવા માટે વાયા બીજા દેશથી જવાની ફરજ પડી રહી છે. યુનિવર્સિટી તરફથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષ શરૂ થાય એ માટે વહેલી તકે કેનેડા પહોંચવા માટે સૂચના આપવામાં આવી રહી છે, જેને લઇને વિદ્યાર્થીઓ કેનેડા જવા માટેનો ધસારો જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે કેનેડા જવા માટે 50 હજારથી લઇને 75 હજાર સુધીની ટિકિટ હોય છે, પરંતુ હાલના સમયે કેનેડા જવા માટે વન વે ટિકિટના વિદ્યાર્થીઓએ 1.50થી 2 લાખ સુધીનો ખર્ચ કરવો પડી રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  ભારતમાં બીજી લહેર સમયે નવા વેરિઅંટના કારણે સતત કોરોનાના કેસ વધવા લાગ્યા. એપ્રિલમાં ભારતથી આવતી દરેક ફ્લાઈટમાં કોવિડના પોઝિટિવ કેસ મળ્યા હતા. ઘણાં પ્રવાસીઓ કોરોનાનો ફેક નેગેટિવ રિપોર્ટ લઇને પ્રવાસ કરતા હોવાનું જોવા મળ્યુ હતું. પરિણામે કેનેડા સરકારે ભારતથી ડાયરેક્ટ આવતા પ્રવાસીઓ ઉપર પ્રતિબંધ મુક્યો હતો. હાલમાં ભારતના પ્રવાસીઓએ બીજા દેશોમાં ઉતરી ત્યાં કોવીડનો રિપોર્ટ કરાવ્યા બાદ જ કેનેડા જઇ શકે છે.

એવું કહેવાય છે કે, 21 જુલાઈથી ભારતથી ડાયરેક્ટ કેનેડાની ફ્લાઈટ શરુ જશે, જોકે તે વખતે દરેક પ્રવાસીઓને કોરોના નો QR કોડ વાળો નેગેટિવે રિપોર્ટ આપવો જરૂરી બની જશે. સૂત્રોએ ઉમેર્યુ હતું કે, કેનેડા જવા માટે 4 વર્ષના ડિગ્રી કોર્સ માટે એક વર્ષના 18 લાખ, 2 વર્ષના ડિપ્લોમા કોર્સ માટે વાર્ષિક 12 લાખ, 2 વર્ષના માસ્ટર કોર્સ માટે વર્ષના 15-19 લાખ, 2 વર્ષના પીજી ડિપ્લોમા કોર્સ માટે 16-18 લાખ ખર્ચ થતો હોય છે. એક તરફ વિદ્યાર્થીઓના વાલીઓ યેનકેન પ્રકારે વિદ્યાર્થીઓને વિદેશ મોકલવા મહેનત કરતા હોય છે, તેવામાં ટિકિટના ભાડાની મોટી રકમ મોટો પડકાર બની છે.