ગુજરાતમાં ઈજનેરીનો કોર્ષ ગુજરાતીમાં ભણવા વિદ્યાર્થીઓને રસ નથી, માત્ર 1 બેઠક જ ભરાઈ
અમદાવાદઃ ગુજરાતના વિદ્યાર્થીઓ પોતાની માતૃભાષામાં ઈજનેરીનો અભ્યાસ કરે તે માટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU)એ પ્રાયોગિક ધોરણે એક સરકારી ઈજનેરી કોલેજમાં અંડર ગ્રેજ્યુએટના ચાર વિવિધ કોર્ષ ગુજરાતી માધ્યમમાં શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.પણ ગત વર્ષે માત્ર બે જ વિદ્યાર્થીએ જ પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે આ વર્ષે પણ વિદ્યાર્થીઓને ગુજરાતી માધ્યમમાં ભણવામાં કોઈ રસ જણાતો નથી. કારણ કે નવા શૈક્ષણિક વર્ષ માટે હાલ પ્રવેશની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે પ્રવેશમાં પ્રથમ રાઉન્ડ દરમિયાન ગુજરાતી માધ્યમના અભ્યાસક્રમમાં માત્ર એક જ વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યો છે.
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ગત વર્ષથી ગુજરાતી માધ્યમમાં ચાર અંડરગ્રેજ્યુએટ એન્જિનિયરિંગના અભ્યાસક્રમો શરૂ કરાયા છે. પણ વિદ્યાર્થીઓએ ગુજરાતી માધ્યમના આ પ્રોગ્રામની પ્રવેશ પ્રક્રિયમાં રસ દાખવ્યો નથી. મહેસાણામાં આવેલી કોલેજ ગુજરાત પાવર એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GPERI) શૈક્ષણિક સત્ર 2022-23થી ગુજરાતી માધ્યમમાં સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રોનિક્સ અને કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં પ્રત્યેક વિભાગને 30 બેઠકો એટલે કે 120 બેઠકો ફાળવવામાં હતી, જેમાં આ વર્ષે પહેલા રાઉન્ડ પછી માત્ર 1 જ બેઠક પર એડમિશન થયું. બીજો રાઉન્ડ ચાલુ છે અને 8 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે.
GTUના સૂત્રોના કહેવા મુજબ ગત વર્ષથી મહેસાણાની સરકારી ઈજનેરી કોલેજમાં ચાર બ્રાન્ચમાં ગુજરાતી માધ્યમનો અભ્યાસક્રમ શરૂ કર્યો હતો. પરંતુ તેને યોગ્ય પ્રતિસાદ મળ્યો નહતો. જ્યારે આ વર્ષે પણ વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમના આ પ્રોગ્રામમાં એડમિશન લે તેવા પૂરતા પ્રયાસો કર્યા છે. અરવલ્લી, મોડાસા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જ્યાં-જ્યાં પણ ગુજરાતી માધ્યમની કોલેજ હતી ત્યાં શિક્ષક અને સ્ટાફમિત્રો તેમજ જે શિક્ષકો જે-તે ગામડાંમાં રહેતા હોય ત્યા વેકેશન દરમિયાન પણ અવેરનેસ માટે ખૂબ જ કામ કર્યું છે. પરંતુ પ્રવેશના પહેલા રાઉન્ડમાં કોઈ એડમિશન થયા નથી પણ ચોક્કસ આશા છે કે, બીજા રાઉન્ડમાં કદાચ એડમિશન થશે. ગત વર્ષે પ્રોબ્લેમ એવો હતો કે, ગુજરાતી માધ્યમ માટે ગુજરાતીમાં પુસ્તકો નહોતા એટલે વિદ્યાર્થીઓ એવું કહેતા હતા. કે, શા માટે અંગ્રેજી માધ્યમની બૂકથી ગુજરાતીમાં અભ્યાસ કરીએ , એટલે આ વખતે ડિપ્લોમા અને ડિગ્રી બંનેના પુસ્તકો ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યા છે. આ સાથે જ બીજા વર્ષના પુસ્તકોનાં અનુવાદનું પણ કામ ચાલુ છે એટલે પુસ્તકો અંગે તો કોઈ પ્રશ્ન ના હોઈ શકે પણ કદાચ માતા-પિતા એવું વિચારે કે, કદાચ ડિગ્રી એન્જિનિયરિંગ ગુજરાતી માધ્યમમાં કરવાથી પ્લેસમેન્ટ નહીં મળે તો એ ડર કે શંકા હોઈ શકે છે.