અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા હાલ વિવિધ વિદ્યાશાખાઓની પરીક્ષા ચાલી રહી છે, ત્યારે મંગળવારે જર્નાલિઝમનું સેમેસ્ટર-6નું અંતિમ પેપર હતું. જેમાં સિલેબસ બહારના પ્રશ્નો પૂછવામાં આવતા વિદ્યાર્થીઓએ પરીક્ષા બાદ હોબાળો કર્યો હતો અને ગ્રેસિંગથી પાસ કરવા માંગણી કરી હતી. વિદ્યાર્થીઓના કહેવા મુજબ પ્રશ્નપત્રમાં 8 પ્રશ્નોમાંથી 6 પ્રશ્નો સિલેબસ બહારના હતા. આ પરીક્ષા ગુજરાત યુનિવર્સિટી એફીલેટેડ NIMCJ અને ચીમનભાઈ પટેલ કોલેજના કુલ 60 વિદ્યાર્થીઓની હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટી નજીક આવેલા સ્વામી વિવેકાનંદ સંકુલમાં જર્નાલિઝમનું સેમેસ્ટર-6નું એડવાન્સ્ડ ડિજિટલ માર્કેટિંગનું પેપર હતું. આ પેપર હાથમાં આવતા જ વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા હતા, કારણ કે પ્રશ્નપત્રમાં સિલેબસ બહારના પ્રશ્નો પૂછાયા હતા. આ અંગે ખંડ નિરીક્ષકને જાણ કરી ત્યારે ખંડ નિરીક્ષકે યુનિવર્સિટીમાં વાત કરી, પરંતુ ત્યાંથી કહેવામાં આવ્યું કે પેપર સિલબેસ બહારનું નથી, જેથી વિદ્યાર્થીઓને જે પેપર આપવામાં આવ્યું છે, તે જ લખવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યાર બાદ વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને નીચે આવ્યા અને કેમ્પસમાં હોબાળો કર્યો હતો. વિદ્યાર્થીઓએ આ અંગે ગુજરાત યુનિવર્સિટીમાં પણ રજુઆત કરી હતી.કે, પ્રશ્નપત્રમાં 8 પ્રશ્નો હતા, તેમાંથી 2 જ પ્રશ્ન સિલેબસના હતા, જ્યારે બાકીના બધા સિલેબસ બહારના હતા. આથી ગ્રેસિંગ આપીને પાસ કરવા જોઈએ કારણ કે એક 14 માર્કસનો પ્રશ્ન જ સિલેબસનો હતો જેના આધારે કોઈ વિદ્યાર્થી પાસ નહીં થઈ શકે.
આ મામલે પરીક્ષા નિયામક કલ્પેન વોરાએ જણાવ્યું હતું કે અમને વિદ્યાર્થીઓના પેપર બાબતે ફરિયાદ મળી હતી. અમે ફેકલ્ટી સાથે વાત કરી હતી તેમના કહેવા મુજબ પ્રશ્નપત્ર બરોબર જ છે, જેથી પેપર બદલ્યું નથી. NIMCJના ડાયરેકટર શિરીષ કાશીકરે જણાવ્યું હતું કે આજનું પેપર ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવામાં આવ્યું હતું. પેપર સિલબેસ બહારનું હોવાનું મને જાણવા મળ્યું છે, પરંતુ તે અંગે નિર્ણય ગુજરાત યુનિવર્સિટી અને પરીક્ષા વિભાગે કરવાનો હોય છે. પેપર પણ પરીક્ષા વિભાગ દ્વારા સેટ કરવામાં આવે છે. ચીમનભાઈ પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશનના ડાયરેકટ હરિ દેસાઈએ જણાવ્યું હતું કે, પરીક્ષા ગુજરાત યુનિવર્સીટી દ્વારા લેવામાં આવે છે જેથી પેપર પણ ત્યાં જ કાઢવામાં આવે છે.સિલેબસ બહારનું નીકળ્યું હોવાની વિદ્યાર્થીઓની ફરિયાદ છે પરંતુ તે અંગે નિર્ણય યુનિવર્સિટી કરશે.