Site icon Revoi.in

સ્કૂલે નક્કી કરેલા યુનિફોર્મ મુદ્દે વિદ્યાર્થીઓ વાંધો ન ઉઠાવી શકેઃ કર્ણાટક હાઈકોર્ટ

Social Share

બેંગ્લોરઃ કર્ણાટકમાં હિજાબ વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો અને હાઈકોર્ટે હિજાબ વિવાદને લઈને ચુકાદો જાહેર કર્યો છે. હાઈકોર્ટે કહ્યું હતું કે, હિજાબ ઈસ્લામનો ભાગ નથી, શિક્ષણ સંસ્થાન આવી રીતે હિજાબ ઉપર પ્રતિબંધ લગાવી શકે છે. રાજ્યની વડી અદાલતની ફુલ બેંચે આદેશ આપતા નોંધ્યું હતું કે, હિજાબ પહેરવો ઈસ્લામનો ભાગ નથી.

કેસની હકીકત અનુસાર કેટલીક વિદ્યાર્થિનીઓએ હિજાબને લઈને હાઈકોર્ટમાં અરજી કરી હતી. રાજ્યની વડી અદાલતે તમામ અરજીનો ફગાવવા સાથે હિજાબ સાથે જોડાયેલા ત્રણ સવાલો અંગે નોંધ કરી હતી. પ્રથમ સવાલ હતો કે, ક્યાં ઈસ્લામમાં હિજાબ પહેરવો અનિવાર્ય ધાર્મિક પ્રથા છે ? જે અંગે હાઈકોર્ટે નોંધ્યું છે કે, મુસ્લિમ મહિલાઓને હિજાબ પહેરવો ઈસ્લામમાં જરૂરી ધાર્મિક રિવાઝ નથી. બીજો સવાલ હતો કે, અભિવ્યક્તિની સ્વતંત્રતા અને ગોપનીયતા હેઠળ હિજાબ એક જરૂરી પરંપરા છે ?, જે અંગે કોર્ટે નોંધ્યું હતું કે, સ્કૂલ યુનિફોર્મ નક્કી કરે તો વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ વાંધો ઉઠાવી ના શકે. જ્યારે ત્રીજો સવાલ હતો કે, 5મી ફેબ્રુઆરીના સરકારી આદેશ શુ માનવો જોઈએ ? જે અંગે કોર્ટે નોંધ્યું છે કે, સરકાર પાસે આ આદેશ જાહેર કરવાનો અધિકાર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કર્ણાટકની કેટલીક સ્કૂલોમાં હિજાબને લઈને વિવાદ ઉભો થયો હતો. કેટલીક શૈક્ષણિક સંસ્થાઓએ હિજાબ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો. જેથી વિદ્યાર્થિનીઓએ હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. હાઈકોર્ટે સુનાવણીના અંતે આજે ચુકાદો જાહેર કર્યો હતો. દરમિયાન હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમમાં પડકારવાનો વિદ્યાર્થિનીઓ દ્વારા નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે.