વડોદરાઃ રાજ્યમાં સરકારી યુનિવર્સિટીઓમાં કોમન એડમિશનને લીધે વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓ પ્રવેશ ન મળતા વિરોધ ઊભો થયો છે. છેલ્લા કેટલાય દિવસથી વિદ્યાર્થી સંગઠનો દ્વારા સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે લડત ચલાવવામાં આવી રહી છે. ત્યારે એમએસ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવે સ્થાનિક વિદ્યાર્થીઓ માટે 1400 બેઠકો વધારવાનો નિર્ણય કર્યો હતો. જો કે, વડોદરાના વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓની માગ છે કે, વડોદરાના તમામ વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ આપવામાં આવે. વિદ્યાર્થીઓ લોલીપોપની મોટી પ્રતિકૃતિ બનાવી યુનિના સત્તાધિશોને આપવા આવ્યા હતા. જો કે, લોલીપોપ યુનિના સત્તાધિશોને આપે એ પહેલા જ પોલીસે તમામ વિદ્યાર્થીઓને રોકી લેતા ઝપાઝપીના દૃશ્યો સર્જાયા હતા.
એમ એસ યુનિવર્સિટીમાં કોમન એડમિશન પોર્ટલથી પ્રવેશ ફાળવવામાં આવ્યો હોવાથી ઘણાબધા સ્થાનિક વિદ્યાર્થીઓ વાણિજ્ય શાખામાં પ્રવેશથી વંચિત રહ્યા છે. વિદ્યાર્થી સંગઠનો સ્થાનિક તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની માગ કરી રહ્યા છે. દરમિયાન વિદ્યાર્થીઓ યુનિના સત્તાધિશોને લોલીપોપ આપવાનો કાર્યક્રમ આપ્યો હતો. જેના લીધે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસે વિદ્યાર્થીઓની લોલીપોપ છિનવી તોડી નાખી હતી. વિદ્યાર્થીઓ માગ કરી રહ્યા હતા કે, લોલીપોપ વીસી સરને આપવા દો. પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ખેંચતાણના દૃશ્યો જોવા મળ્યા હતા.
AGSUના વિદ્યાર્થી નેતા જયેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, અમે સ્થાનિક વિદ્યાર્થીઓ માટે આંદોલન કરી રહ્યા છીએ. ગઈકાલે કુલપતિના સ્ટેટમેન્ટમાં એવું બોલ્યા છે કે, 1400 સીટનો વધારો કરવામાં આવ્યો છે, પરંતુ પહેલા દિવસથી એક જ નામ છે. તમામે તમામ સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ મળવો જોઈએ.
એમ એસ યુનિવર્સીટીનાં વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવએ જણાવ્યું હતું કે, તાજેતરમાં સાંસદ અને ધારાસભ્યો સાથે MSUના સભ્યોની બેઠક મળી હતી. જે ત્રણ કલાક સુધી ચાલી હતી. ગત વર્ષે 95 ટકા વિદ્યાર્થીઓ વડોદરાના હતા. GCAS અંતર્ગત વર્તમાન બેઠક વ્યવસ્થા કરી હતી જેમાં 70 ટકા વડોદરા અને 30 ટકા બહારના વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો હતો. હાલ મેરિટ આધારે પ્રવેશ પણ આપી દેવાયો છે અને હવે તેમાં કોઈ દખલગીરી કરી શકાય નહીં.