અમદાવાદઃ વિદ્યાર્થી પોતાની માતૃભાષામાં અભ્યાસ કરી શકે તેવા ઉદેશ્યથી ડિગ્રી એન્જિયનરિંગનો અભ્યાસક્રમ ગુજરાતી ભાષામાં ભણાવવાનો નિર્ણય કરીને પ્રાયોગિક ઘોરણે મહેસાણાની એક કોલેજમાં ગુજરાતી ભાષામાં એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને ગુજરાતી માધ્યમમાં ભણવામાં કોઈ રસ નથી. 120 બેઠકોમાંથી માત્ર બે બેઠકો જ ભરાઈ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી યુનિવર્સિટી સંલગ્ન મહેસાણાની કોલેજમાં ગુજરાત પાવર એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં શૈક્ષણિક વર્ષ 2022-23 માટેની પ્રવેશ કાર્યવાહીમાં ગુજરાતી માધ્યમની ચાર બ્રાન્ચની કુલ 120 બેઠકમાંથી માત્ર બે બેઠક ભરાઈ છે. એટલે કે ખૂબજ નબળો પ્રતિસાદ મળ્યો છે. વિદ્યાર્થીઓનું એવુ માનવું છે. કે, અંગ્રેજી એ વૈશ્વિક ભાષા છે. મલ્ટી નેશનલ કંપનીમાં જોબ માટે અંગ્રેજીમાં સિલિબર્સથી ફાયદો થયો થશે. ઉપરાત વધુ અભ્યાસ માટે વિદેશમાં જતાં વિદ્યાર્થીઓને પણ અગ્રેજી ભાષાનો સિલેબર્સ ઉપયોગી થઈ શકે છે. ગુજરાતી માધ્યમમાં ધોરણ 12 સુધી ભણેલા મોટાભાગના વિદ્યાર્થીઓ પણ ઈજનેરીનો અભ્યાસક્રમ અંગ્રેજી માધ્યમમાં હોવો જોઈએ એવો મત વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે જીટીયુના સત્તાધિશો એવો મત વ્યક્ત કરી રહ્યા છે. કે, ગામડાંના વિદ્યાર્થીઓને ઈજનેરીનો અભ્યાસક્રમ ગુજરાતી ભાષા એટલે કે પોતાની માતૃભાષામાં ભણવાથી સારી સમજ આપી શકે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ જીટીયુ દ્વારા 15 જેટલા પ્રોફેસરની ટીમ ‘આવો માતૃભાષામાં અભ્યાસ કરીએ’ તેવા સ્લોગન સાથે રાજ્યના વિવિધ જિલ્લામાં ટેલેન્ટ સર્ચ અભિયાન ચલાવશે. નેશનલ એજ્યુકેશન પોલિસીમાં માતૃભાષામાં શિક્ષણને પ્રાધાન્ય અપાયું છે, જેના ભાગરૂપે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (એઆઈસીટીઈ)ની મંજૂરી સાથે ઓગસ્ટમાં મહેસાણાના મેવડ પાસે ગુજરાતી માધ્યમમાં જીપેરી કોલેજમાં સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કમ્પ્યુટર બ્રાન્ચ શરૂ કરાઈ છે, જેના માટે કુલ ચાર બ્રાન્ચના 20 પુસ્તકોનું ગુજરાતીમાં ભાષાંતર પણ કરવામાં આવ્યું હતું. જીટીયુના કુલપતિ ડો. નવીન શેઠના જણાવ્યા મુજબ ગુજરાતી માધ્યમની બેઠકો ન ભરાતાં અમે જરા પણ નિરાશ થયા નથી. આવતા વર્ષે જીપેરી કોલેજમાં પૂરતા પ્રમાણમાં વિદ્યાર્થીઓ મળી રહે તે માટે ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ સુધી જાન્યુઆરીથી સંપર્ક અભિયાન હાથ ધરી ગુજરાતીમાં અભ્યાસ કરી ઉજ્જવળ કારકિર્દી ઘડી શકાય તેવી સમજણ અપાશે. સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, મહિસાગર, નર્મદા, તાપીના ગ્રામીણ વિસ્તારોમાં આવેલી ગુજરાતી સ્કૂલોમાં ધોરણ 11-12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો સંપર્ક કરી તેમને જીપેરી કોલેજમાં ભણાવાતા ગુજરાતી માધ્યમના ચાર બ્રાન્ચના કોર્સ, પ્રોફેસરો, સ્કોલરશિપ, હોસ્ટેલ તેમ જ પ્રવેશને લગતી માહિતી આપવામાં આવશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, જીટીયુની સેલ્ફ ફાઇનાન્સ જીપેરી કોલેજની વાર્ષિક 40 હજાર છે, તેની સામે વિદ્યાર્થીઓને મેરિટના આધારે 25થી 65 ટકા સુધીની સ્કોલરશિપની ચુકવણી કરવાનું નક્કી કરાયું છે. જ્યારે તેની સામે વિવિધ સેલ્ફ ફાઇનાન્સ ઇજનેરી કોલેજોમાં વાર્ષિક 2.50 લાખ સુધીની ફી લેવામાં આવે છે.