Site icon Revoi.in

રાજ્યમાં બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ છતાં કેટલીક શાળાઓના વિદ્યાર્થીઓને પાઠ્ય પુસ્તકો મળ્યા નથી

Social Share

અમદાવાદઃ  દિવાળી વેકેશન પૂર્ણ થતાં તા. 22મી  નવેમ્બરથી શાળાઓમાં ફલાઈન શિક્ષણ શરૂ થઈ ગયું છે. વિદ્યાર્થીઓ પણ કોરોનાનો ડર છોડીને હવે નિયમિત શાળાએ જવા લાગ્યા છે. પરંતું કહેવાય છે કે, ઘણી સ્કૂલો એવી છે જ્યાં પુસ્તકો હજી પહોંચ્યા નથી. પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા વિતરણ કરાયેલા પુસ્તકો મળ્યા ન હોવાથી વાલીઓ અને એસવીએસ કન્વીનરોને મુશ્કેલીઓ પડી રહી છે. ત્યારે બોર્ડના વાલી મંડળના સભ્ય ધીરેન વ્યાસે આ અંગે પુસ્તક મંડળના નિયામકને પત્ર લખીને રજૂઆત કરી હતી. જેમાં બીજું સત્ર શરૂ થઈ ગયું હોવા છતાં પુસ્તકો ન મળ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ દર વર્ષની જેમ આ વર્ષે પણ પાઠ્ય પુસ્તક મંડળની લાપરવાહી જોવા મળી રહી છે. પાઠ્ય પુસ્તકો નથી મળ્યા તેમાં ધોરણ 10ના ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોનો પણ સમાવેશ થાય છે. શાળાઓમાં પુસ્તક વિતરણ વખતે બે-બે વર્ગના વિદ્યાર્થીઓને એક જ ક્લાસમાં બેસાડાતા હોવાથી તેની વિપરિત અસર ભણતર પડતી હોવાનું કહેવાય છે. પુસ્તકોને લઈને માત્ર વાલીઓ જ નહીં પરંતુ બોર્ડના સભ્યો પણ પર્શ્નો ઉઠાવી રહ્યા છે. શાળાઓમાં પુસ્તકોના વિતરણમાં શાળામાં ક્લાર્ક, પટ્ટાવાળાની અછત હોવાથી શૈક્ષણિક સ્ટાફને કાર્યમાં જોડવા પડે છે. શાળા અને આસપાસ પાર્કિંગની વ્યવસ્થા ન હોવાથી પુસ્તક વિતરણ વખતે અગવડતા પડે છે,

આ ઉપરાંત ડિલિવરી મેમો અને આવેલા પુસ્તકો વચ્ચે વિસંગતતા હોવાથી અમુક વિષયોના પુસ્તકોમાં ઘટ પડતી હોવાનું તેમજ વધેલા પુસ્તકો મંડળ પરત ન લઈ જતું હોવાનું કહેવાયું હતું. પુસ્તક મંડળ તરફથી માગ મુજબના પુસ્તકોની ડિલિવરી એક સાથે કરવાના બદલે બે કે તેથી વધારે રાઉન્ડમાં કરવામાં આવતી હોઈ મુશ્કેલીઓ પડતી હોવાની પાઠ્ય પુસ્તક મંડળને રજૂઆત આવી હતી. દરેક માધ્યમના પુસ્તકો એક સાથે જ નવા સત્રની શરૂઆત પહેલા સ્કૂલોને મળી જાયે તેવું આયોજન કરવાની ભલામણ પણ કરવામાં આવી હતી. (file photo)