અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષ કોમર્સમાં પ્રવેશ માટે ઓનલાઈન બે રાઉન્ડ પૂર્ણ થયાં છે. હવે કોલેજોને એડમિશન માટે ઓફલાઈન પ્રક્રિયા સોંપી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓએ હવે કોલેજ પર જઈને ફોર્મ ભરવું પડે છે. આજે કોલેજોમાં બીજા દિવસે પણ એડમિશન માટે આવેલા વિદ્યાર્થીઓની લાંબી લાઈનો જોવા મળી હતી. વિદ્યાર્થીઓના ઘસારાને કારણે કેટલીક કોલેજોએ તો ગેટ પણ બંધ કરી દેવા પડ્યા હતાં. ગુજરાત યુનિવર્સિટીએ કોલેજોને વ્યવસ્થાની જાણ નહીં કરતા કોલેજો મુશ્કેલીમાં મુકાઈ છે.
ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન અમદાવાદની મોટાભાગની કોલેજોમાં ઓફલાઈન એડમિશન માટે લાંબી લાઈનો જોવા મળી હતી. આજે પણ કોલેજોમાં કતારો લાગવાની સ્થિતિ યથાવત જોવા મળી છે. અલગ અલગ કોર્સ પ્રમાણે વિદ્યાર્થીઓને ફોર્મ ભરવા માટે રૂબરૂમાં બોલાવવામાં આવી રહ્યાં છે. વિદ્યાર્થીઓ પણ ઓફલાઈન એડમિશન મેળવવા માટે કોલેજના ધક્કા ખાવા મજબૂર બન્યાં છે. ઓનલાઈન એડમીશન પ્રક્રિયામાં એક દિવસમાં એક જ કોલેજ પસંદ કરી શકાતી હતી. પરંતુ ઓફલાઈન પ્રક્રિયામાં એક દિવસમાં બે જેટલી કોલેજો પસંદ કરી શકાય છે અને ત્યાં જઈને રૂબરૂ ફોર્મ ભરી શકાય છે. આ સ્થિતિના કારણે એડમિશન માટેના વિદ્યાર્થીઓ જ નહિ પરંતુ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ પણ પરેશાન થયા છે.
શહેરની કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા ચાલુ હોવાથી કોલેજમાં ભારે ભીડ તથા વર્ગ ખંડમાં પ્રવેશ પ્રક્રિયા ચાલુ હોવાથી ભણતા વિદ્યાર્થીઓ પણ ધક્કે ચઢ્યા હતા.કેટલીક કોલેજના ગેટ જ બંધ કરી દેવામાં આવ્યા હતા તો કેટલીક કોલેજમાં પ્રવેશ માટે આવતા વિદ્યાર્થીઓને પણ પ્રવેશ આપવામાં આવતો નહતો. ગુજરાત યુનિવર્સીટી દ્વારા કોલેજને કોઈ સુચના કે વ્યવસ્થા કરવા માટે જાણ ના કરી હોવાથી કોલેજ પણ મુશ્કેલીમાં મૂકાઈ છે જેનું પરિણામ વિદ્યાર્થીઓએ ભોગવવી રહ્યા છે. કેટલીક કોલેજમાં સવારથી લાઈનમાં ઉભેલા વિદ્યાર્થીઓનો નંબર આવે ત્યારે બ્રેક પડી જાય છે તો ક્યાંક સમય પૂરો થઇ જાય છે. જેથી વિદ્યાર્થીઓએ 2 દિવસ સુધી એક કોલેજમાં પ્રવેશ ફોર્મ ભરવા ધક્કા ખાવા પડ્યા છે.કોલેજ દ્વારા પણ યોગ્ય જવાબ ના મળતા ઓફલાઈન પ્રક્રિયામાં ઓનલાઈન પ્રક્રિયા કરતા વધુ મુશ્કેલીઓ આવી રહી છે.