Site icon Revoi.in

ધો-9 અને 11ના વિદ્યાર્થીઓને પાસ થવા માટે ખૂટતા માર્ક્સ સિદ્ધિકૃપા ગણથી અપાશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે ચાલુ વર્ષે ધો-1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લીધો છે. જ્યારે ધો-10 અને 12ની મે મહિનામાં યોજાનારી બોર્ડની પરીક્ષા હાલ મુલત્વી રાખવામાં આવી છે.  ધોરણ 9 અને 11ના પરિણામ અંગે હવે માર્કશીટ તૈયાર કરવા માટેના નિયમો જાહેર કરવામાં આવ્યા છે. ધો-9 અને 11માં 70 માર્કસના આધારે પરિણામ તૈયાર કરવામાં આવશે. તેમજ પાસ થવા માટે ખૂટતા માર્ક્સ સિદ્ધિ-કૃપા ગુણથી અપાશે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટતા ઓફલાઈન એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું હતું. જો કે, કોરોનાના કેસ રોકેટ ગતિએ વધતા સ્કૂલ અને કોલેજોમાં 10મી મે સુધી ઓફલાઈન એજ્યુકેશન બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. તેમજ ધો-1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. હવે માર્કશીટ તૈયાર કરવા માટેના નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જે અનુસાર ધોરણ-9 અને 11ના વિદ્યાર્થીઓની 50 ગુણની પ્રથમ કસોટી અને 2૦ ગુણ આંતરિક મૂલ્યાંકનના મળીને કુલ 70 માર્ક્સના આધારે પરિણામ તૈયાર કરવામાં આવશે.

પરીક્ષામાં પાસ થવા માટે ખૂટતા માર્ક્સ સિદ્ધિ ગુણ અને કૃપા ગુણ આપીને પૂર્ણ કરાશે. આચાર્ય 10 કૃપા ગુણ આપી શકે તે જોગવાઈ આ વર્ષ પૂરતી રદ કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીને પાસ થવા માટે ખૂટતા ગુણ આચાર્ય કૃપા ગુણ તરીકે આપી શકશે. 70 ગુણમાંથી મેળવેલા ગુણને 100 ગુણમાં રૂપાંતરિત કરીને પરિણામ તૈયાર કરવાનું રહેશે, જેથી વિદ્યાર્થીને રૂપાંતરિત થયા બાદ વિષયમાં 33 કરતાં વધુ ગુણ આવે તો તેને પાસ જાહેર કરાશે, પરંતુ 33 કરતાં ઓછા ગુણ હોય તો દરેક ટકાદીઠ 1 ગુણ તેમ વધુમાં વધુ 15 ગુણની મર્યાદામાં રહીને પાસ થવા માટે ખૂટતા ગુણ આપી શકાશે.