Site icon Revoi.in

ગ્રાન્ટેડ સ્કૂલોમાં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને દર મહિનો કોમ્પ્યુટરની 125 રૂપિયા ફી ભરવી પડશે

Social Share

અમદાવાદઃ રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકોના પડતર પ્રશ્નો માટે સરકાર સામે છેલ્લા ઘણા સમયથી લડત ચાલી રહી છે. જેમાં રાજ્ય સરકારે કેટલાક પ્રશ્નો હલ પણ કરી દીધા છે. ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ પાસે હાલ કોમ્પ્યુટર વિષયની દર મહિને 50 રૂપિયા ફી લેવામાં  આવે છે. જેમાં વધારો કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. હવે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને દર મહિને કોમ્પ્યુટરના વિષયની 125 રૂપિયા ભરવી પડશે. આ સંદર્ભમાં શિક્ષણ વિભાગે પરિપત્ર પણ જારી કરી દીધો છે.

શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલમાં ધોરણ 9થી 12માં ભણતા વિદ્યાર્થીઓની કોમ્પ્યુટરની ફીમાં વધારો કરવામાં આવ્યો છે. અત્યારસુધી કોમ્પ્યુટર ફી 50 રૂપિયા હતી જે વધારીને હવે 125 રૂપિયા કરવામાં આવી છે. અગાઉ ગ્રાન્ટેડ સ્કૂલોના સંચાલકોએ આ અંગે અનેક વખત રજૂઆત કરી હતી. જેને ધ્યાને રાખીને શિક્ષણ વિભાગ દ્વારા ફી વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર કરીને તમામ જિલ્લા શિક્ષણ અધિકારીને જણાવવામાં આવ્યું છે કે, રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલમાં ધોરણ 9થી 12માં કોમ્પ્યુટરની ફી 50 પ્રતિ માસ હતી જે વધારીને 125 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવી છે, એટલે હવે દર વર્ષે કોમ્પ્યુટર ફીમાં 900 રૂપિયાનો વધારો થશે. આ નિયમનો અમલ ઓક્ટોબર 2023થી થશે, એટલે કે ચાલુ મહિનાથી ફીમાં વધારો કરી દેવામાં આવ્યો છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાતની ગ્રાન્ટેડ સ્કૂલોમાં છેલ્લા 19 વર્ષથી કોમ્પ્યુટરની ફી 50 રૂપિયા હતી જે હવે વધારવામાં આવી છે. 25 વર્ષે ફીમાં 75 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા આ મામલે શિક્ષણ વિભાગને અનેક વખત લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી, જેને ધ્યાને રાખીને હવે વધારો કરવામાં આવ્યો છે.