વલ્લભીપુરમાં સરકારી આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓ બિલ્ડિંગના અભાવે છાપરા હેઠળ ભણવા મજબુર
ભાવનગરઃ જિલ્લાનું વલ્લભીપુર શહેર એ તાલુકા મથક છે. અને વર્ષોથી વિકાસથી વંચિત છે. સ્થાનિક સબળ નેતાગીરીને અભાવે વલ્લભીપુરનો વિકાસ થઈ શક્યો નથી. એસટી બસ સ્ટેન્ડ, સરકારી હોસ્પિટલ, રોડ-રસ્તા સહિત અનેક પ્રશ્નો છે. આ ઉપરાંત શહેરમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સરકારી આર્ટસ કોલેજની સુવિધા ઉપલબ્ધ થઇ જશે. પણ કોલેજના નિર્માણ માટે રૂ.15 કરોડની ફાળવણી કરવાની હતી તે પૈકી માત્ર 5.5 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ગ્રાન્ટની રકમમાંથી અડધી રકમ પણ ન ફાળવતા સરકારી આર્ટસ કોલેજનુ કામ આજની તારીખે પણ અધુરૂ છે. એટલે વિદ્યાર્થીઓને છપરા હેઠળ બેસીને ભણી રહ્યા છે.
વલ્લભીપુરમાં સરકારી આર્ટ્સ કોલેજનું બિલ્ડિંગ બન્યુ નથી. સરકારે પુરી ગ્રાન્ટ ન ફાળવતા બિલ્ડિંગનું કામ અધૂરૂ છે. આથી વિદ્યાર્થીઓને છાપરા નીચે બેસીને ભણવાની ફરજ પડી રહી છે. આ બાબતે ધારાસભ્ય શંભુનાથજી ટુંડીયાએ મુખ્યમંત્રીને રજૂઆત પણ કરી હતી. હાલ કોલેજ બિલ્ડિંગના અધુરા કામને લીધે વિદ્યાર્થીઓને ગંભીરસિંહજી હાઈસ્કૂલ પરિસરમાં છાપરા નીચે બેસી અભ્યાસ કરવાની ફરજ પડી છે. તેમાં પણ અત્યારે તો ચોમાસુ જામ્યું છે ત્યારે નવું બિલ્ડિંગ કોલેજ માટે મળી જશે તેવી આશા હતી તે આ વર્ષે પણ નિરાશામાં ફેરવાઇ છે.
વલ્લભીપુરની સરકારી વિનીયન કોલેજનુ નવુ બિલ્ડીંગ નાણાની ફાળવણીના અભાવે કામમાં વિલંબ થતા નવા શિક્ષણ સત્રમાં કોલેજનો શુભારંભ નહી થઇ શકતા વિદ્યાર્થીઓમાં નિરાશા ફેલાણી છે. છેલ્લાં 17 વર્ષથી ગંભીરસિંહજી હાઈસ્કૂલ પરિસરમાં છાપરા નિચે બેસી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જ્યારે આ કોલેજનુ ખાતમુહૂર્ત સમયે ધારાસભ્યે અધિકારીઓને પ્રવચન દરમિયાન સૂચના આપી હતી કે મારા મત વિસ્તારના આ છોકરાઓને નવા સત્રથી નવી બિલ્ડીંગ અભ્યાસ કરે તેવી ઝડપે કામ કરજો. પરંતુ મુજબ શિક્ષણ વિભાગે કોલેજને ₹.15.79 લાખ ફાળવણીની જાહેરાત કરી હતી. જેમાંથી માત્ર 5.27 લાખ જેટલી રકમ મળી છે અને આ રકમ પણ હાલના બાંધકામ પાછળ ખર્ચ થઈ ગઈ છે, કામ હજુ અધુરૂ છે. જો ખરેખર આ જાહેરાત મુજબ કોલેજનું કામ ઝડપભેર આગળ વધારવું હોય તો તત્કાલ ગ્રાન્ટની રકમની ફાળવણી કરવી જરૂરી છે. અન્યથા વધુ એક વર્ષ આમને આમ વીતી જશે.