ગાંધીનગરઃ ગુજરાતમાં પ્રદુષણ ઘટાડવા માટે ઈલેક્ટ્રિક વાહનો પર સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે. જેમાં હવે ધો. 9થી કોલેજ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બેટરી સંચાલિત દ્વિચક્રીય વાહન ખરીદી કરે તો રૂપિયા 12 હજારની સહાય આપવાનું ગુજરાત સરકારે આયોજન કર્યું છે. આ યોજનાનો લાભ વહેલા તે પહેલા ધોરણે આપવામાં આવશે. જોકે 8000 જેટલા વિદ્યાર્થીઓને સહાય આપવાનું સરકારનું આયોજન હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
રાજ્ય કક્ષાના પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું. કે, રાજ્યમાં ધોરણ 9થી લઈને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વિચક્રિ વાહનો ખરીદતા હોય છે. વિદ્યાર્થીઓ ઈલેક્ટ્રિક વાહનો ખરીદે તો 12000 સબસિડી અપાશે. આ ઉપરાંત રાજ્યના 25 જિલ્લાની 920 સરકારી શાળામાં 21,187 એલઈડી ટ્યુબ લાઈટ રૂપિયા 81 લાખના ખર્ચે લગાવવામાં આવશે. તેમજ 31 જિલ્લાની 1173 શાળામાં 24 હજાર પંખા ફિટ કરવામાં આવશે
તેમણે ઉમેર્યું હતું કે, રાજયના ઉર્જા વિભાગ દ્વારા વર્ષ 2011-12થી સરકારી ઇમારોતમાં સોલર સિસ્ટમ લગાવવાની યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ આગામી 31 માર્ચ સુધીમાં 600 સરકારી ઇમારતોમાં સોલર સિસ્ટમ લગાડવામાં આવશે.આવી ઇમારતો પર કુલ 8 હજાર કિલો વોટની સોલર સિસ્ટમ લગાડવાનું આયોજન છે. રાજયની 19 સરકારી છાત્રાલયો,આદર્શ નિવાસી શાળાઓમાં સોલાર વોટર હિટીંગ સિસ્ટમ લગાડવાનું પણ નક્કી કરાયું છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં લાકડા આધારિત સ્મશાન ભઠ્ઠી હોય ત્યાં ઈલેક્ટ્રિક ભટ્ઠી નાખવાનું પણ નક્કી કરાયું છે. રાજ્યની ગૌશાળા, પાંજરાપોળ, શૈક્ષણિક સંસ્થાઓમાં પણ 24 જેટલા બાયોગેસ પ્લાન્ટ લગાવવામાં આવશે. રાજ્યમાં પ્રદુષણમાં ઘટાડા માટે સરકાર પ્રયત્નશીલ છે. (file photo)