અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. મોટાભાગની હોસ્પિટલો હાઉસફૂલ થઈ ગઈ છે. બીજી તરફ બાળકો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. દરમિયાન ગુજરાત સરકારે વિદ્યાર્થીઓના ભવિષ્ય અને આરોગ્યને ધ્યાનમાં રાખીને ધો-1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત ધો-10 અને ધો-12ની બોર્ડની પરીક્ષાઓ પણ હાલ મુલત્વી રાખવાનો નિર્ણય કરાયો છે. નવી તારીખ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે. તા. 10મી મેથી ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજાવાની હતી. બીજી તરફ કોંગ્રેસે ધો-10 અને 12ની પરીક્ષાઓ પણ રદ કરવાની માંગણી કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં કોરોના મહામારી અને આરોગ્યિ વિભાગની કામગીરી ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં સ્કૂલમાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓની પરીક્ષાને લઈને ચર્ચા કરાઈ હતી. વિદ્યાર્થીઓના આરોગ્ય અને ભવિષ્યને ધ્યાનમાં લઈને સરકારે ધો-1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોસન આપવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત તા. 15મી મે સુધી પરીક્ષા નહીં યોજવાનો નિર્ણય કરીને ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ પણ મુલત્વી રાખવામાં આવી હોવાનું જાણવા મળે છે. બોર્ડની પરીક્ષાની તારીખ અંગે આગામી દિવસોમાં જાહેરાત કરવામાં આવશે. માસ પ્રમોસન અને બોર્ડની પરીક્ષા મુલત્વી રાખવાના નિર્ણયથી વાલીઓમાં ખુશી ફેલાઈ છે. તેમજ સરકારના નિર્ણયને આવકાર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ઉત્તરપ્રદેશ સહિતની સરકારોએ માસ પ્રમોસન આપવાનો નિર્ણય કર્યો હતો. ગુજરાતમાં પણ વાલીઓએ માસ પ્રમોશનની રજૂઆત કરી હતી.