અમદાવાદઃ કામધેનુ યુનિવર્સિટીના નવમા પદવીદાન સમારોહમાં આજે રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજી, કેન્દ્રીય પશુપાલન, મત્સ્યોદ્યોગ અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલા અને રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ-સંવર્ધન અને મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલના હસ્તે વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ્સ અને પદવી એનાયત કરાઈ હતી. 65 વિદ્યાર્થીઓને મેડલ્સ સહિત 670 વિદ્યાર્થીઓને પશુચિકિત્સા, ડેરી અને મત્સ્યપાલન શાખાઓના વિવિધ અભ્યાસક્રમોની ડિગ્રી એનાયત કરાઈ હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કામધેનુ યુનિવર્સિટીમાંથી શિક્ષા અને દીક્ષા મેળવનાર વિદ્યાર્થીઓને સમાજ પ્રત્યે સમર્પણભાવથી લોકોના સારા સ્વાસ્થ્ય માટે, પર્યાવરણની રક્ષા માટે, દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના માધ્યમથી ક્રાંતિ માટે અને પરિવાર, સમાજ, રાજ્ય તથા રાષ્ટ્રના કલ્યાણ માટે કર્તવ્યધર્મ બજાવવાની શીખ આપી હતી. દીક્ષાંત ઉદ્બોધનમાં કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, દેશના પશુઓની દૂધ આપવાની ક્ષમતા સરેરાશ સાડા ત્રણ લીટર છે. આ એવરેજ સાથે પણ ભારત દૂધ ઉત્પાદનમાં વિશ્વમાં અગ્રેસર છે. દૂધ ઉત્પાદનની સરેરાશ વધીને 10 લીટર થાય એ માટે પશુઓની નસલ સુધારવાની દિશામાં વિદ્યાર્થીઓ કામ કરશે તો આપણા દેશની પ્રગતિને કોઈ નહીં આંબી શકે.
ગાયોને વાછરડી જ જન્મે એ માટે સેક્સ શોર્ટેડ સિમેનના વધુ ઉત્પાદન માટે પ્રયત્નો થઈ રહ્યા છે. ગુજરાતમાં આ દિશામાં મહત્વની કામગીરી થઈ રહી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પીએમ નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને રાજ્ય સરકારના પ્રયત્નોથી ગુજરાતમાં વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. રાજ્ય સરકારે અપનાવેલા તાલીમના નવા મોડેલથી પ્રતિમાસ 3 લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ આપવામાં આવી રહી છે. કામધેનુ-ગાય સમગ્ર વિશ્વની માતા છે. કરુણા, દયા અને ઉપકારનું પ્રતીક છે. ગાય એકમાત્ર છે જેના ગૌમૂત્ર અને ગોબર પવિત્ર તો છે જ, અત્યંત ઉપયોગી પણ છે. દેશી ગાયના ગૌમૂત્ર-ગોબરથી ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે અને કોઈ જ ખર્ચ વિના સારું ઉત્પાદન મેળવી રહ્યા છે. પ્રાકૃતિક કૃષિના વિકાસ માટે અને દૂધ ઉત્પાદન માટે સેક્સ શોર્ટેડ સિમેન ટેકનોલોજી અત્યંત ઉપયોગી છે. પશુચિકિત્સા, ડેરી અને મત્સ્યપાલન ક્ષેત્રે અભ્યાસ કરીને દીક્ષાંત થયેલા છાત્રોને તેમને માત્ર પગાર માટે નોકરી નહીં પણ સમાજના, રાજ્યના અને દેશના કલ્યાણ માટે પ્રમાણિકતાપૂર્વક કર્તવ્યપાલનની ભાવનાથી કામ કરવા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અનુરોધ કર્યો હતો.
કેન્દ્રીય પશુપાલન, મત્સ્યોદ્યોગ અને ડેરી વિકાસ મંત્રી પરસોત્તમ રૂપાલાએ દીક્ષાંત સમારોહમાં સ્નાતક અને અનુસ્નાતક થતાં વિદ્યાર્થીઓને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, તમારે આ ક્ષેત્રને તમારા કૌશલ્ય થકી આગળ વધારવાનું છે. ભારતની ઈકોનોમીમાં પશુપાલન,મત્સ્ય અને ડેરી ઉદ્યોગ ક્ષેત્રના યોગદાનને વધારવાનું કાર્ય કરવાનું છે. તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના આટલા વર્ષો બાદ આ ક્ષેત્ર માટે સ્વતંત્ર મંત્રાલય બનાવ્યું. તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ રાજ્યમાં 108 ની સેવાની શરૂઆત કરી હતી. નાગરિકોની સારવાર માટે 108 ની જેમ સમગ્ર દેશમાં પશુ સારવાર માટે મોબાઈલ વેટરનરી યુનિટની શરૂઆત કરવામાં આવી છે. જેનાથી પશુપાલકોના ઘર આંગણે તેમના પશુઓને સારવાર મળી રહેશે. પ્રથમ તબક્કામાં 4000 મોબાઇલ વેટરનરી એમ્બ્યુલન્સની મંજૂરી આપવામાં આવી છે. સમગ્ર દેશના પશુઓના રસીકરણ માટે રૂપિયા 13 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે.
ભારત ડેરી ક્ષેત્રમાં હરણફાળ પ્રગતિ કરી રહ્યું છે. દૂધ ઉત્પાદનમાં આપણો દેશ નંબર વન પર છે. દેશના મુખ્ય પાક ઘઉં, બાજરી અને મકાઈ; ત્રણેય થઈને જેટલી રકમનું ઉત્પાદન થાય છે એટલી રકમનું તો આપણે દૂધ ઉત્પાદન કરીએ છીએ. ભારતની સૌથી મોટી પ્રોડક્ટ દૂધ છે. આવનારા વર્ષોમાં ભારતમાં દૂધનું ઉત્પાદન ઉત્તરોત્તર વધારવા માટે તેમણે આહવાન કર્યું હતું.
રાજ્યના પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજી પટેલે વિદ્યાર્થીઓને સંબોધતાં જણાવ્યું હતું કે, દેશના આર્થિક વિકાસમાં પશુપાલન, ડેરી અને મત્સ્યોદ્યોગનું મહત્વ ખૂબ જ વધારે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતને ‘ફાઈવ ટ્રિલિયન ઇકોનોમી‘ બનાવવાનું જે સ્વપ્ન સેવ્યું છે, તેને પરિપૂર્ણ કરવામાં પશુપાલન અને મત્સ્યોદ્યોગ ક્ષેત્રનો ફાળો મહત્વપૂર્ણ પૂરવાર થશે. આ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ અને સંશોધનને પ્રોત્સાહન આપવા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. મંત્રીએ ઉમેર્યું હતું કે, દૂધ ઉત્પાદન ક્ષેત્રે ભારતને સ્વાવલંબી બનાવવામાં ગુજરાતનો અગત્યનો ફાળો રહ્યો છે. આ વાતને ધ્યાને લઇને જ તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશુપાલન, ડેરી અને મત્સ્યોદ્યોગ ક્ષેત્રે રહેલી વિપુલ તકોને તેમજ આ ક્ષેત્રે શિક્ષણ-સંશોધનને પ્રોત્સાહન આપવા વર્ષ 2009માં કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. આ ક્ષેત્રે ભારતને વૈશ્વિક સ્તરે આગવી ઓળખ અપાવવા કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત કાર્યરત છે. કૃષિ મંત્રીએ પશુપાલન, ડેરી તથા મત્સ્યઉદ્યોગ ક્ષેત્રે ભવિષ્યમાં જે પડકારો ઉભા થાય તેનો જ્ઞાન અને કુનેહથી જનહિતમાં ઉકેલ લાવી સમગ્ર વિશ્વના કલ્યાણમાં ભાગીદાર થવા પદવી પ્રાપ્ત કરતાં વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો.
પદવીદાન સમારોહમાં સ્નાતક કક્ષાના 499 વિદ્યાર્થીઓ, અનુસ્નાતક કક્ષાના 145 વિદ્યાર્થીઓ અને પી.એચ.ડી.ના 26 વિદ્યાર્થીઓ મળી કુલ 670 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. તે પૈકી અનુસ્નાતક કક્ષાના અભ્યાસ માટે 3 વિદ્યાર્થીનીઓને કુલાધિપતિ ગોલ્ડ મેડલ, સ્નાતક કક્ષાના અભ્યાસ માટે 9 વિદ્યાર્થીઓને કુલપતિ ગોલ્ડ મેડલ તેમજ 14 વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. કામધેનુ વિશ્વવિદ્યાલય માં અત્યારે 4507 જેટલા વિદ્યાર્થીઓ અધ્યયન કરી રહ્યા છે.