પેટ્રોલ-ડિઝલના ભાવનો વિદ્યાર્થીઓએ અનોખી રીતે કર્યો વિરોધઃ વાહન ચાલકોને રૂ. 20 સસ્તુ આપ્યું પેટ્રોલ
દિલ્હીઃ ભારતમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. દેશના કેટલાક શહેરોમાં પેટ્રોલના ભાવ રૂ. 100ને વટાવી ચુક્યાં છે. તેમજ ડીઝલના ભાવ પણ 90 સુધી પહોંચી ગયા છે. દેશમાં કેટલાક વિસ્તારમાં રૂ. 105માં આવતું હોય પરંતુ મમતા બેનર્જીના પશ્ચિમ બંગાળમાં પેટ્રોલ લગભગ રૂ. 20 જેટલી ઓછી કિંમતે આપવામાં આવ્યું હતું.
કોલકતામાં એપીજે અબ્દુલ કલામ કોલેજના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારામાં અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓના કહેવા ઉપર પેટ્રોલ પંપ દ્વારા એક સમય મર્યાદામાં પેટ્રોલ ભરાવવા આવતા લોકોને પ્રતિલીટર રૂ. 20 સસ્તુ અપાયું હતું. આ દરમિયાન 154 લોકોએ ઓછી કિંમતમાં પેટ્રોલ પુરાવ્યું હતું. આ રકમ વિદ્યાર્થીઓએ પેટ્રોલ પંપના સંચાલકને ચુકવી આપ્યાં હતા.
મીડિયા રિપોર્ટ અનુસાર વિરોધ કરનારા વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ભાવમાં થઈ રહેલા વધારાને પગલે જનતા પરેશાન થઈ ચુકી છે. સરકારે પ્રજાની સમસ્યા અંગે વિચારવું જોઈએ. જેથી અમે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છીએ. ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં જુલાઈ મહિનામાં સાત વાર વધારો થયો હતો. જો કે, છેલ્લા લગભગ 10 દિવસમાં ઈંધણના ભાવમાં કોઈ વધારો થયો નથી. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ રૂ. 101.84 પ્રતિ લીટર થયો છે. જ્યારે ડિઝલની કિંમત પણ 89.87 ઉપર પહોંચી છે. કોલકતામાં પેટ્રોલ 102.08 અને ડીઝલ રૂ. 93.02માં વેચાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પશ્ચિમ બંગાળના સાંસદ અને લોકસભાના વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ દાવો કર્યો હતો કે, નરેન્દ્ર મોદીની સરકારએ લોકોની મુશ્કેલીઓને જોવા વગર જાન્યુઆરમાં 69 વખત પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો કર્યો હતો. તેમજ તેમણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયેલા વધારો પરત લેવા માટે પણ અપીલ કરી હતી.