રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગિરનાર સહિત હોસ્ટેલો બહારગામના અનેક વિદ્યાર્થીઓ વસવાટ કરી રહ્યા છે. હોસ્ટેલમાં પ્રાશમિક સુવિધાના અભાવને લીધે વિદ્યાર્થીઓ પરેશાની ભોગવી રહ્યા છે. જેમાં યોગ્યરીતે સફાઈ થતી ન હોવાથી ચારે તરફ ગંદકી જોવા મળી રહી છે. પીવાના પાણી સહિત નાના-મોટા 16 જેટલાં પ્રશ્નોના ઉકેલ માટે હોસ્ટેલના વિદ્યાર્થીઓએ કુલપતિના નિવાસસ્થાન બહાર સૂત્રોચ્ચાર કર્યો હતો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હોસ્ટેલમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. યુનિવર્સિટીની ગિરનાર સહિતની હોસ્ટેલોમાં સફાઈ, ગરમ પાણી, પીવાનું પાણી, સિક્યુરિટી સહિતની જુદી જુદી 16 જેટલી સમસ્યાઓ અંગે રાત્રે હોસ્ટેલના વિદ્યાર્થીઓએ કેમ્પસમાં જ કુલપતિ બંગલા પાસે સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો.
અખિલ ગુજરાત વિદ્યાર્થી પરિષદ અને હોસ્ટેલના વિદ્યાર્થીઓએ એકઠા થઇને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. મોડી રાત્રે કરાયેલા સૂત્રોચ્ચાર બાદ યુનિવર્સિટી તંત્રના અધિકારીઓ દોડી આવ્યા હતા અને વિદ્યાર્થીઓની 17 જેટલી સમસ્યાનું નિરાકરણ 17મી સુધીમાં લાવવા લેખિતમાં ખાતરી આપી હતી. વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, બોયઝ હોસ્ટેલમાં છેલ્લા ઘણાં સમયથી યોગ્ય પ્રમાણમાં સફાઈ થતી નથી, બિલ્ડિંગની બિસ્માર હાલત છે, લાઈટ- પાણીની સવલત ઉપલબ્ધ નથી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, આવતી કાલ તા. 13મી ડિસેમ્બરને મંગળવારથી યુનિવર્સિટીની જુદા જુદા કોર્સની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે ત્યારે પરીક્ષા સમયે જ હોસ્ટેલમાં જુદી જુદી સમસ્યાઓ ઉદભવતા વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારીઓ કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે. વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, પાણીના અભાવે શિયાળામાં ઠંડા પાણીએ નહાવું પડે છે.અને પરીક્ષામાં જ બીમાર પડીએ તો કોણ જવાબદારી લેશે. વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાં ગરમ પાણીની વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા, ડ્રેનેજની સમસ્યા, સીસીટીવી સમસ્યાનું નિવારણ, બધા જ રૂમમાં લોકર, હોસ્ટેલમાં નિયમિત સાફ સફાઈ, હોસ્ટેલમાં ઈલેક્ટ્રિસિટી રિપેરિંગ, રૂમ નં.25માં બારીનું સમારકામ, હોસ્ટેલનું ફર્નિચર રિપેરિંગ , શૌચાલયમાં સમારકામ, નળ બદલવા, પાર્કિંગ વ્યવસ્થા, હોસ્ટેલનો મુખ્ય દરવાજો, હોસ્ટેલમાંથી પાણીનો નિકાલ, સેમિનાર હોલમાં ટેબલ-ખુરશીની વ્યવસ્થા, વાઈફાઈમાં સ્ટુડન્ટ લોગીન ક્રિએટ કરવું, હોસ્ટેલના દરેક રૂમની મચ્છરજાળી વગેરે પ્રશ્નો ઉકેલવાની માગણી કરી હતી.