અમદાવાદઃ રાજ્યમાં હાલ સ્કૂલ-કોલેજમાં પરીક્ષાઓ ચાલી રહી છે. તાજેતરમાં જ ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ છે. દરમિયાન ગુજરાત યુનિવર્સિટીની બી.કોમની પરીક્ષામાં એક વિધાર્થીની ઉત્તરવહી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જેમાં વિદ્યાર્થીએ પેપર તપાસનાર શિક્ષક પાસે વિચિત્ર રજૂઆત કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કોલેજની પરીક્ષાઓના પેપરમાં ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્નોના જવાબ આપવાને બદલે એવી વિચિત્ર હરકતો કરતાં જોવા મળી રહ્યાં છે. આવો જ એક કિસ્સો ગુજરાત યુનિવર્સિટીના B.COMની જવાબવાહીની ચકાસણી દરમિયાન જોવા મળ્યો છે. જેમાં વિદ્યાર્થીએ ઉત્તરવહીની ચકાસણી કરતાં પ્રોફેસર સમક્ષ માંગ કરી હતી કે, મારી સગાઇ હતી એટલે મેં વાંચ્યું નથી સાહેબ મને પાસ કરજો, વિદ્યાર્થીની આવી હરકતથી પ્રોફેસરગણમાં હાસ્યનું મોજું સર્જાયું છે. વિદ્યાર્થીએ જવાબવાહીમાં લખ્યું કે, “મારી સગાઇ હતી એટલે મેં વાંચ્યું નથી સાહેબ મને પાસ કરજો”, “મને માફ કરજો સાહેબ અને મને પાસ કરવા વિનંતી.” હાલ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓના પેપરની તપાસની કામગીરી શરૂ થઈ ગઈ છે. યુનિવર્સિટી દ્વારા નક્કી કરવામાં આવેલી જગ્યામાં જ પેપર ચેક થાય છે.