- બોયઝ હોસ્ટેલના વિદ્યાર્થીઓ ડોલ લઈને કૂલપતિના બંગલે પહોંચ્યા,
- વિદ્યાર્થીઓએ કર્યો સૂત્રોચ્ચાર,
- કામચલાઉ પાણીના વ્યવસ્થા કરી આપી
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અર્ન વાઇલ લર્ન બોઈઝ હોસ્ટેલમાં છેલ્લા એક અઠવાડિયાથી પીવાનું પાણી આવતું નથી અને છેલ્લા 2 દિવસથી રોજબરોજ ઉપયોગમાં લેવામાં આવતું પાણી બંધ છે. જેને લીધે વિદ્યાર્થીઓ મુશ્કેલી ભોગવી રહ્યા છે. ત્યારે ABVPના કાર્યકરો વિદ્યાર્થીઓને સાથે રાખી ડોલ લઈને કુલપતિ નિવાસસ્થાને પહોંચ્યા હતા, અને કૂલપતિના બંગલા બહાર સૂત્રોચ્ચાર સાથે ધરણાં કર્યા હતા. વિદ્યાર્થીઓના ધરણાં બાદ કૂલપતિએ હાલ પીવાના પાણીની હાલ કામચાલઉ વ્યવસ્થા કરી આપી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવેલી અર્ન વાઇલ લર્ન હોસ્ટેલમાં 40 જેટલા વિદ્યાર્થીઓ રહે છે. આ હોસ્ટેલમાં છેલ્લા એક અઠવાડિયાથી પીવાનું પાણી આવતું નથી. આ ઉપરાંત અન્ય ઉપયોગમાં લેવાનું પાણી પણ બે દિવસથી બંધ છે. પાણીનો પ્રશ્ન દૂર કરવા માટે વિદ્યાર્થીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવતા ટૂંક સમયમાં તેનો નિકાલ આવી જશે તેવી હૈયા ધારણા આપવામાં આવતી હતી. તેમ છતાં પણ પાણીનો પ્રશ્ન દૂર ન થતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ વિદ્યાર્થીઓની સાથે રાખી રાત્રે કુલપતિ નિવાસસ્થાને પહોંચ્યા હતા. અને ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો. દરમિયાન ઇન્ચાર્જ કુલપતિ ડો. કમલ ડોડિયા અને ઇન્ચાર્જ કુલસચિવ ડો. રમેશ પરમાર સ્થળ પર આવીને વિદ્યાર્થીઓની સમસ્યા સાંભળે અને તેનો સત્વરે નિકાલ લાવવા માટે પ્રયત્ન કરે તેવો વિદ્યાર્થીઓ દ્વારા આગ્રહ રાખવામાં આવ્યો હતો. જો કે, તે સમયે ત્યાં હાજર સિક્યોરિટી ઇન્ચાર્જ પાસે કુલપતિ કે કુલસચિવનો મોબાઈલ નંબર જ ન હોવાનું સામે આવતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા. અને ભારત માતા કી જયના નારા સાથે કુલપતિ નિવાસસ્થાનની સામે ધરણાં કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેને લીધે હોબાળો મચી ગયો હતો. હોબાળા બાદ ટેમ્પરરી પાણીની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
#SaurashtraUniversity #StudentProtest #WaterCrisis #ABVP #UniversityLife #HostelIssues #StudentRights #Rajkot #EducationMatters #YouthVoices