દિલ્હીઃ એઈમ્સના એક અધ્યાસમાં આ વાતનો ખુલાસો થયો છે કોરોના મહામારીની બીજી લહેરમાં મોટી સંખ્યામાં બ્લેક ફંગસના કેસ સામે આવ્યાં હતા. તેનું મુખ્ય કારણ કોરોનાની સારવાર દરમિયાન દર્દીઓએ સ્ટેરોઈડનું સેવન કર્યું હતું.
કોરોનાની બીજી લહેરમાં પહેલી લહેર કરવા વધારે લોકોના મોત થયાં હતા. કોરોનાનો ગ્રાફ નીચે આવતાની સાથે બ્લેક ફંગસના કેસ સામે આવ્યાં હતા. કેટલાક લોકોનું બ્લેક ફંગસમાં મોત થયું હતું. હવે બ્લેક ફંગસ અને તેનાથી થયેલા મોતના કારણને લઈને એઈમ્સ દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો છે. આ અભ્યાસમાં બ્લેક ફંગસના 13 દર્દીઓને સામેલ કરવામાં આવ્યાં હતા. જેમાં 10 પુરુષ અને 3 મહિલાઓનો સમાવેશ થાય છે. તેમની ઉંમર પાંચથી 55 વર્ષની વચ્ચે હતી.
આ અભ્યાસમાં સામેલ ઈમ્સના એનેસ્થિસિયોલોજી અને ક્રિટિકલ કેર ડિપાર્ટમેન્ટના એસોસિએટ પ્રોફેશર ડો. યુદ્ધવીરસિંહએ જણાવ્યું કે, જે લોકોને બ્લેક ફંગસ થયો હતો. તેમાંથી 84.6 ટકા લોકોને કોરોનાની સારવારમાં સ્ટેરોઈડ આપવામાં આવ્યું હતું. તેમજ મોટી સંખ્યામાં દર્દીઓમાં ડાયબિટીસ પણ જોવા મળ્યો હતો. જે બ્લેક ફંગસનું મોટુ કારણ છે.
- બ્લેક ફંગસના દર્દીઓમાં મૃત્યુદર 64.3 ટકા
અભ્યાસમાં સામે આવ્યું કે, 84.6 ટકા દર્દીઓ કોરોનાથી ગંભીર રીતે પીડિતા હતા. તેમજ તેમને સારવારમાં સ્ટેરોઈડ આપવામાં આવ્યું હતું. આ તમામ દર્દીઓને કોરોનાની સારવાર બીજી હોસ્પિટલમાં થઈ હતી અને ત્યાં જ સ્ટેરોઈડ આપવામાં આવ્યું હતું. સ્ટેરોઈડના કારણે જ રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ હતી અને બ્લેક ફંગસનો ભોગ બન્યાં હતા. આ દર્દીઓનો મૃત્યુદર 64.3 ટકા જોવા મળ્યો છે.
- ડાયબિટીસ પણ બ્લેક ફંગસનું મુખ્ય કારણ
એઈમ્સના અભ્યાસમાં આ તારણ આવ્યું કે, બ્લેક ફંગસના કારણે મૃત્યુ પામનારાઓની ઉંમર સરેરાશ 49.5 વર્ષ હતી. અભ્યાસમાં જે દર્દીઓને સામેલ કરવામાં આવ્યાં હતા. તેમાં 61.5 ટકા દર્દીઓ ડાયબિટીસનો શિકાર હતા અને તેમનામાં જ મૃત્યુનો દર વધારે જોવા મળ્યો છે. ડાયબિટીસથી પીડિત બ્લેક ફંગસના 75 ટકા દર્દીઓના મૃત્યુ થયાં હતા.