અમદાવાદમાં સુભાષબ્રીજ RTO કચેરીએ અઢી વર્ષમાં બિલ્ડિંગનું રૂપિયા 3.30 કરોડ ભાડું ચૂકવ્યું
અમદાવાદઃ શહેરમાં ઘણા સરકારી બિલ્ડિગો ખાલી હોવા છતાં ઘણી સરકારી કચેરીઓ ભાડાના મકાનમાં ચાલી રહી છે. અને સરકાર વર્ષે દહાડે કરોડો રૂપિયાનું ભાડું ચૂંકવી રહી છે.શહેરના સુભાષબ્રિજની જૂની આરટીઓ કચેરી જર્જરિત બનતા ફેબ્રુઆરી-2019થી આરટીઓને પાસેના હિમાલય બિઝનેસ સેન્ટરમાં ભાડાની 19 હજાર સ્ક્વેર ફૂટની જગ્યામાં ખસેડી છે. ભાડાના બિલ્ડિંગમાં આરટીઓને ખસેડી ત્યારે 19 હજાર સ્ક્વેર ફૂટની વેચાણ કિંમત અંદાજે 13.50 કરોડની આસપાસ હતી. સરકારે આરએનબીના અભિપ્રાયને આધારે રૂ.11 લાખના ભાડે જગ્યા ભાડે રાખી હતી, એ મુજબ અત્યારસુધીમાં માસિક રૂ.11 લાખ પ્રમાણે 3.30 કરોડ ભાડું ચૂકવી દીધું છે, જે રકમ અઢી વર્ષની છે. હજી જૂનું બિલ્ડિંગ તૂટ્યું ન હોવાથી વધુ બે વર્ષની સમયમર્યાદા લંબાવાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ, ભાડાના બિલ્ડિંગનો કોન્ટ્રેક્ટ વધુ બે વર્ષ રિન્યુ કરવા વાહનવ્યવહાર કમિશનર સમક્ષ ફાઇલ પેન્ડિંગ છે. સુભાષબ્રિજ જૂની આરટીઓની પાકા લાઇસન્સ સિવાયની બધી કામગીરી હિમાલય બિઝનેસ સેન્ટરમાં ગ્રાઉન્ડ ફલોરની 5005 સ્ક્વેર ફૂટ અને સેકન્ડ ફલોરની 14 હજાર સ્ક્વેર ફૂટની જગ્યામાં ખસેડી હતી. ફેબ્રુ.,2019થી જૂન,2021 સુધીમાં 3.08 કરોડ ભાડું ચૂકવાઇ ગયું છે. હજી બે વર્ષ જગ્યા ભાડે રાખવાથી વધુ રૂ.2.64 કરોડ ચૂકવવાના થશે. આમ સાડાચાર વર્ષમાં અંદાજે પોણાછ કરોડ જેટલી રકમ ચૂકવાશે. ઉપરાંત ભાડામાં વધારો થશે તો આંકડો 7થી 8 કરોડ સુધી પહોંચી શકે છે. આ જગ્યા પર કે આસપાસની જગ્યામાં ટેમ્પરરી બિલ્ડિંગ ઊભું કર્યું હોય તોપણ આટલો ખર્ચ ન થાય. વાહનવ્યવહાર વિભાગના ઉચ્ચ અધિકારીઓએ લાભ ખાટવા ભાડાની ઊંચી રકમ આંકીને સરકારને નુકસાન પહોંચાડ્યું હોવાનું મનાય છે.
- વાહનવ્યવહાર વિભાગના પૂર્વ અધિકારીએ વ્યક્ત કરી શંકા
વાહનવ્યવહાર વિભાગ પૂર્વ અધિકારીઓના જણાવ્યા મુજબ, સરકાર ભાડાની નિયત રકમના વ્યવહારની તપાસ કરે તો મોટે પાયે નાણાકીય ગેરરીતિ નીકળશે, કારણ કે આજ બિલ્ડિંગ હાલ 4 ચાર હજાર સ્ક્વેર ફૂટની જગ્યા દોઢથી પોણાબે લાખના ભાડે મળે છે. જો 19 હજાર સ્ક્વેર ફૂટનું ભાડું ગણીએ તો હાલમાં પણ 7 લાખની આસપાસમાં ભાડે મળી જાય છે. તો પછી 2019માં 19 હજાર સ્ક્વેર ફૂટની જગ્યાનું ભાડું 11 લાખ કેવી રીતે નક્કી કરાયું તે પ્રશ્ન લોકોમાં ચર્ચાઈ રહ્યો છે.