દ્વારકામાં વર્ષો પહેલા સમુદ્રમાં ડુબી ગયેલી કૃષ્ણનગરીના દર્શન માટે સબમરીન સેવા શરૂ કરાશે
દ્વારકાઃ યાત્રાધામ દ્વારકા સમુદ્રના કિનારે આવેલું છે. દ્વારકાધિશનું હાલનું મંદિર પણ ઐતિહાસિક છે. કહેવાય છે. કે, વર્ષો પહેલા સમુદ્રમાં દ્વારકાનગરી ગરકાવ થઈ હતી. હાલ પણ સમુદ્રના પેટાળમાં દ્વારકાનગરીના અવશેષો ધરબાયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે ડુબી ગયેલી દ્વારકા નગરીના લોકો દર્શન કરી શકે એવું આયોજન કરવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા હવે દરિયાના પેટાળમાં સબમરીન ચલાવશે, જેનાથી 300 ફૂટ નીચે જઈને દ્વારકા નગરીના દર્શન કરી શકાશે.
ગુજરાત સરકાર દ્વારા ધાર્મિક અને સાંસ્કૃતિક ટુરિઝમ વધારવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત દરિયામાં ડુબી ગયેલી મૂળ દ્વારકા નગરીના દર્શન માટે સબમરીન પ્રોજેક્ટ અમલમાં મુકાશે. જે અંતર્ગત સરકારની કંપની ડોક શિપયાર્ડની સાથે રાજ્ય સરકારે તાજેતરમાં એમઓયુ કર્યાં છે. હાલ દ્વારકા અને બેટદ્વારકા વચ્ચે સમુદ્ર પર મોટો કેબલ બ્રિજ બની રહ્યો છે. જે જન્માષ્ટમી સુધીમાં તૈયાર થઈ જશે.
સૂત્રોના કહેવા મુજબ વર્ષો પહેલા દરિયામાં ડૂબી ગયેલી ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા વસાવાયેલી દ્વારકા નગરીનાં દર્શન હવે સરળ બનવા જઈ રહ્યાં છે. ગુજરાત સરકાર મૂળ દ્વારકાનાં દર્શન માટે હવે અરબી સમુદ્રમાં યાત્રી સબમરીનની સેવા કાર્યરત કરાશે. ભારત સરકારની કંપની મઝગાંવ ડોક શિપયાર્ડની સાથે ગુજરાત સરકારે એમઓયુ કર્યા છે. જાન્યુઆરીમાં યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં આ એમઓયુની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. સબમરીનનું સંચાલન મઝગાંવ ડોક કરશે. સંભવિત રીતે જન્માષ્ટમી અથવા તો દિવાળી સુધી એની શરૂઆત થઈ જશે.
દ્વારકા કોરિડોર હેઠળ મૂળ દ્વારકા ( બેટ દ્વારકા)નાં દર્શન માટે સબમરીન પ્રોજેક્ટ અમલમાં મુકાશે. સબમરીન માટે બેટ દ્વારકાની પાસે એક જેટીનું પણ નિર્માણ કરાશે, જ્યાંથી યાત્રી સબમરીનમાં બેસી શકશે. એક વખતમાં 24 યાત્રી અને છ ક્રૂ-મેમ્બર્સ તેમાં જઇ શકશે. બેથી અઢી કલાકની યાત્રા રહેશે. જો કે સબમરીનનો ઓપરેટિંગનો ખર્ચ વધુ હોવાથી એના માટે ટિકિટના દર વધુ હશે. પરંતુ ટિકિટની કિંમત સામાન્ય લોકો ન ખરીદી શકે તે માટે સબસિડી જેવી યોજના જાહેર કરાશે. સબમરીનમાં યાત્રીઓને ઓક્સિજન માસ્ક, ફેસમાસ્ક અને સ્કૂબા ડ્રેસ સંચાલન કરનાર એજન્સી દ્વારા જ આપવામાં આવશે, જેના તમામ ભાડા ટિકિટમાં જ સામેલ કરાશે. યાત્રિકોને દરિયાના પેટાળમાં સબમરીન દ્વારા લઈ જઈને દ્વારકાનગરીના દર્શન કરાવાશે. (file photo)