Site icon Revoi.in

વાવાઝોડામાં અસરગ્રસ્ત થયેલા પશુપાલકો અને માલધારીઓ માટે વિશેષ રાહત પેકેજ આપવા CMને રજુઆત

Social Share

અમદાવાદઃ રાજ્યમાં તાજેતરમાં આવેલા તાઉ-તે વાવાઝોડાને લીધે સૌથી વધુ અસર ખેતી અને વીજ પુરવઠાને થઈ છે. વાવાઝોડાને લીધે બાગાયતી પાકો સંપૂર્ણ રીતે નાશ પામ્યાં છે. સૌરાષ્ટ્ર અને રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને કારણે પશુધન માટેનો ઘાસચારો પણ નાશ પામ્યો છે. ત્યારે કોંગ્રેસે સરકાર પાસે પશુપાલકો અને માલધારીઓ માટે સવિશેષ રાહત પેકેજની માંગ કરી છે.

કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને માંગ કરી છે કે, રાજ્યમાં કોરોનાના કારણે તમામ લોકો આર્થિક અને માનસિક રીતે હેરાન થયાં છે. હજી આવનારા દિવસોમાં પણ આવી જ પરિસ્થિતિને સહન કરવાની છે. બીજી તરફ તાઉ-તે વાવાઝોડામાં પશુપાલકો અને માલધારીઓને મોટુ નુકસાન થયું છે. કાચા મકાનો તુટી ગયાં છે. તેમની ઘરવખરી નાશ પામી છે. તેમજ પશુઓ માટેનો ઘાસચારો પણ વરસાદમાં પલળી ગયો છે. જેથી હાલમાં ચારેય બાજુથી આવનારી કુદરતી આપદાઓ સામે માલધારીઓ અને પશુપાલકો બેવડો માર સહન કરી રહ્યાં છે. જેથી તેમની માટે સવિશેષ રાહત પેકેજ જાહેર કરવું જોઈએ.

ગુજરાતમાં મ્યુકોરમાઇકોસિસની બીમારીમાં સતત વધારો થઈ રહ્યો છે. કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને માંગ કરી છે કે કોરોનાની સાથે મ્યુકોરમાઈકોસિસ નામની બીમારીએ માથું ઉંચક્યું છે. તેની સારવાર રાજ્યના ગરીબ અને મધ્યમવર્ગના લોકોને પોસાય તેમ નથી. રાજસ્થાન સરકારે મ્યુકોરમાઈકોસિસની સારવાર સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મફતમાં કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે. તમારી સંવેદનશીલ સરકાર સમક્ષ ગરીબ અને મધ્યમવર્ગના લોકોને આ રોગની મફતમાં સારવાર આપવી જોઈએ.