Site icon Revoi.in

વલસાડ નગરપાલિકાની સામાન્ય સભા ન બોલાવાતા પાલિકાને સુપરસિડ કરવા CMને રજુઆત

Social Share

વલસાડ : શહેરની નગરપાલિકાના અંધેર વહિવટથી વિકાસના કામો ખોરંભે પડતા  વિપક્ષે નગરપાલિકાને સુપરસીડ કરવાની દરખાસ્ત સાથે તાત્કાલિક વહીવટદાર મૂકવા મુખ્યમંત્રીને ઉદ્દેશી પત્ર લખતા  નગર પાલિકાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. વલસાડ નગર પાલિકા દ્વારા જાન્યુઆરીમાં લેવામાં આવતી ફરજિયાત સામાન્ય સભા ન બોલાવાતા શહેરના વિકાસના કામો અટકી જવાથી પાલિકાને સુપરસીડ કરવા માંગ કરવામાં આવી છે. વલસાડ નગર પાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત નગરપાલિકાને સુપરસીડ કરવાની માંગને લઈ વલસાડનું રાજકારણ ગરમાયુ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ વલસાડ નગર પાલિકામાં ગત વર્ષે મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા નગર પાલિકાના 4 સભ્યોએ પાલિકાની વર્ષ 2019માં મળેલી સામાન્ય સભામાં ગેરવર્તન કરવા બદલ સભ્ય પદેથી રદ્દ કરવાનો આદેશ કરતા નગર પાલિકાના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. ત્યાર બાદ 4 સભ્યોએ ઓડર વિરુદ્ધમાં હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. જે દરમિયાન રાજ્ય ચૂંટણી પંચે નગર પાલિકાની 5 બેઠક ઉપર પેટા ચૂંટણી જાહેર કરી હતી. ત્યાર બાદ આ બેઠક ઉપર વિજેતા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. બીજીબાજુ હાઇકોર્ટે નગર પાલિકા મ્યુનિસિપલે કમિશ્નરે કરેલો આદેશ રદ્દ કરી સભ્ય પદ રદ્દ કરેલા અરજદારોને ફરી સાંભળવા આદેશ કર્યો હતો. જેને લઈને નગર પાલિકાના સત્તાધીશો મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. જેને લીધે વલસાડ નગર પાલિકા દ્વારા ચાલુ વર્ષની જાન્યુઆરી માસની પ્રથમ ફરજિયાત સામાન્ય સભા નગરપાલિકાના સત્તાધીશો દ્વારા બોલાવી શક્યા નહતા.

વલસાડ નગરપાલિકાના વિપક્ષી નેતા ગિરીશ દેસાઈ દ્વારા પાલિકાના સત્તાધીશોને ભીંસમાં લઈને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને એક પત્ર લખાયો છે. જેમાં નગર પાલિકા ફરજિયાત સામાન્ય સભા ન બોલાવી શકતી હોય તો સુપર સિડ કરવાની માંગ કરી છે. નગર પાલિકા દ્વારા બોર્ડ ન બોલાવી વિકાસના કામો ઉપર રોક લગાવી રહી હોવાનું જણાવી નગર પાલિકા ખાતે વહીવટદાર નિમવા માંગ ઉઠાવી હતી. જેને લઈને નગર પાલિકાના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. જાન્યુઆરીની બોર્ડમાં નવા આવેલા ટેન્ડર મંજુર કરવા વિકાસના અટકેલા કામો અને માર્ચ મહિનામાં લેપ્સ થનારી ગ્રાન્ટના કામો કરવા અંગે ચર્ચા કરી વિકાસના કામો કરવાની ચર્ચા કરવાની જગ્યાએ પાલિકાના સત્તધીશો દ્વારા ફરજિયાત બોર્ડ ન બોલાવી વિવાદ સર્જ્યો છે. વિપક્ષ નેતા ગિરીશ દેસાઈએ પાલિકાને સુપરસીડ કરી તાત્કાલિક વહીવટદાર મૂકવાની દરખાસ્ત સાથે મુખ્યમંત્રીને લેખિત ડ્રાફ્ટ મોકલ્યો છે. વલસાડ પાલિકાના કોંગ્રેસના સભ્ય અને વિપક્ષ નેતા ગિરીશ દેસાઇએ રજૂ કરેલી સુપરસીડની દરખાસ્તને ભાજપના ટેકેદાર સભ્યો ઝાકીર પઠાણ, નિતેશ વશી, કોંગ્રેસના 9 સભ્ય, અપક્ષ સભ્યો તથા કેટલાક સત્તાધારી ભાજપના સહિત 44 સભ્યમાંથી 70 ટકા સભ્યોએ અભિપ્રાય આપ્યો હોવાનો દાવો કરાયો છે.